પૃષ્ઠ:Ra Gangajaliyo.pdf/૧૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
પ્રકરણ સોળમું

૧૧૬


છે. તમારા બ્રાહ્મણો મારણના જાપ કરે, અમારા દરવેશો પણ એકના ભલાના ને બીજાના બુરાના રોજા રહે છે. ફરક એટલો જ છે અત્યારે તો, કે અમારામાં જે સુજાન પુરુષો છે, તે આવી દુન્વયી બાબતોની નફરત કરીને દૂર પહાડો ટાપુઓમાં નથી બેસી જતા. માળવાનો મુહુમ્મુદ ખીલજી માર માર કૂચ કરતો આવે છે, ગૂજરાતનો અમારો સુલતાન ફોશીપણું બતાવે છે, બેબાકળો બની પોતાના વાણિયા કારભારીની સલાહ માગે છે, વાણિયા ભાઇ એને તમામ ખજાના સાથે વહાણમાં બેસી જઇ માછલીઓના શિકારે સમુદ્ર પાર નીકળી જવા સલાહ આપે છે, તે વખતે પણ મારો એક સૈયદ સમશીર ખેંચી ખડો થાય છે. એ બાયલા સુલતાન બેટા કુતુબશાહને છેક નડીઆદ જઇ પડકારી લાવે છે, એ શાહજાદા કુતુબશાહને હાથે જ સુલતાન બાપ મહમદશાના જીવનરૂપ પ્યાલામાં મોતરૂપ ઔષધ રેડાય છે....'

'ફરી પાછો બાપને બેટાએ જ માર્યો! એ વાત તો મેં સાંભળી હતી. ગૂજરાતના સુલતાનોનું તો વંશપરંપરા બસ આમ જ થતું આવે છે.' રા' હસ્યો. એમાં છૂપો આનંદ હતો.

'હસી કાઢવા જેવી વાત નથી.' સાંઇ જમીયલશા બોલ્યા : 'એટલી નિષ્ઠુરતા વગર રાજ સમાલવાની બધી જ તકેદારી મારી જાય છે. તમે મુસ્લિમોને ચાહે તેટલા રૂઢિ ગુલામ કહો, સિર્ફ અંધશ્રદ્ધાળુ કહો, પણ ખરાખરીની પલે તેઓ વ્યવહાર ભજવી જાણે છે. બાત આગળ કરૂં છું. એ શાહજાદો કુતુબશા બાપના ખૂનભીના તખ્ત પર બેસી ગયો, ફોજની જમાવટમાં જ લાગી પડ્યો, છતાં તેને દરવેશોની મદદ તો સાથોસાથ મેળવી.'

'મેં પણ જાણ્યું છે, કે અમદાવાદના આપના હઝરત શાહઆલમે નવા સુલતાનને ખુદ પોતાની જ દૈવી તલવાર આપી હતી ને મંત્રેલું તીર ચડાવી માળવા-શાહને માર્યું હતું. તેથી ફત્તેહ થઇ.'