પૃષ્ઠ:Ra Gangajaliyo.pdf/૧૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૧૭

ગૂજરાતના દરવેશો


'નહિ, નહિ, આપને પૂરી ખબર નથી. અમારા દરવેશો સીધેસીધા સમશેરની શક્તિ ખરચી નાખતા નથી. સમશેરનો વારો તો સમજાવટના સર્વ ઇલાજો ખૂટી ગયા પછી આવે છે. સુણો હિંદવા શાહ, પયગમ્બરના વંશજ અમારા સૈયદ કુતુબુલે - એટલે કે હઝરત શાહ આલમના પિતાએ શું કર્યું ? એણે તો એક દરવેશની રીતે કામ લીધું. માળવા -સુલતાનને લઇ આવનાર શેખ કમાલની જ બુરી બુદ્ધિને ઠેકાણે લાવવા એણે પોતાના બેટા આ હઝરત શાહ આલમને સુલેહના સંદેશાનો કાસદ કરી મોકલ્યો, કહ્યું કે બાબા! જઇને વિનવો શેખ કમાલને, કે તમને ગેરૈન્સાફ કરનારો સુલતાન તો હયાતીમાંથી ઉખડી ગયો. છે. તો હવે માળવાના ખૂની પંજામાં ગૂજરાતને કાં મૂકાવો? અપરાધ ક્ષમા કરો. ગુસ્સો શમાવો. ને કુરાને શરીફના બોલ વિચારો કે ક્ષમામાં જે લહેજ્જ્ત છે તે વૈરમાં નથી.

પણ શેખ કમાલે આ સંદેશાને ધૂતકારી કાઢ્યો. ગૂજરાતનું તો માળવાને નામે જ મેં ખુદાને ચોપડે મંડાવી દીધું છે એવો એનો જવાબ લઇને હઝરત કુતબુલના પુત્ર પાછા આવ્યા. પુત્રને પિતાએ કહ્યું, બેટા ફરીથી જાઓ ને ચરણે ઝુકી શેખજીને વિનવો કે ગુસ્સો શમાવો. ખુદા શાંતિનો ચાહનાર છે તેના તરફ નજર રાખો. માળવાની સત્તા ભારી ક્રૂર છે. ગરીબડા ગૂજરાતી લોકો એનું નામ પડતાં જ ઉચાળા ભરી ન્હાસી રહ્યા છે. તેમનો બાપડાનો શો ગુન્હો છે? તમને સતાવનારો સુલતાન તો મરી ગયો, હવે નવા સુલતાન કુતુબશાહનો શો ગુન્હો છે? ને પાક શાયર ફિરદૌસીના બોલને યાદ કરો શેખજી, કે એક જ દાણો ખાનાર કીડીને પણ તું ઇજા આપીશ નહિ, કારણ કે તેને પણ જીવ છે, ને તેને જીવ પ્યારો છે.

આ બધી જ કાકલૂદીનો જ્યારે એ પોતાની મારણ-શક્તિનો મદ ધરવનાર વિદ્વાન શેખ કમાલે હુંકારમાં ને નકારમાં જ જવાબ વાળ્યો,