પૃષ્ઠ:Ra Gangajaliyo.pdf/૧૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
પ્રકરણ સોળમું

૧૧૮


ને એમ કહ્યું કે 'મેં સાત સાત વર્ષો સુધી રોઝા રહી, ખુદાને બંદગી કરી ગૂજરાતનો મુલક માળવાના સુલતાનને નામે ચડાવી દીધો છે, ને આ કાંઇ છોકરાંની રમત નથી. ને હવે તો એક વાર છૂટેલું તીર પાછું ન વળે.' ત્યારે પણ ફરી પાછી હઝરત શાહાઆલમ સાથે વિષ્ટિ મોકલી કે 'સંતપુરુષન્નું ઇશ્વરી બળ તો છૂટેલા તીરને પણ પાછું બોલાવી શકે છે,' તેનો પણ શેખ કમાલે ગુમાની જવાબ વાળ્યો.

'હા મેં સાંભળ્યું છે કે એ શેખ કમાલે અંતરીક્ષમાં ઊંચા હાથ કરી એક કિરમજી રંગનો કાગળ પેદા કર્યો ને તેમાં લખેલું બતાવ્યું કે ગૂજરાત માળવાના ખીલજીને નામે ચડી ચૂકી છે,' રા' વચ્ચે બોલી ઊઠ્યા.

'એ તો બધી મારી અક્કલ બહારની વાતો છે મહારાજ !' વૃદ્ધ જમીયલશાહે સ્હેજ મોં મલકાવી લીધું : 'પણ મુદ્દાની બાત તો આ છે, કે શેખ કમાલનો આવો જવાબ મળ્યા પછી હઝરત કુતુબુલે જોયું કે આ ધર્મપુરુષના કોપથી રાજપલટો થશે એવો વ્હેમી ભય ગૂજરાતમાં ગભરાટ ફેલાવી ચૂક્યો છે. ત્રાસની હવા ફેલાઇ ગઇ છે. લોકો માલમતા ભરીને વતન છોડી રહેલ છે. અને ઘેર ઘેર ઘોર કતલની આગાહીથી થરેરાટી છૂટી ગઇ છે, ત્યારે એણે લાઈલાજીથી નવા સુલતાન કુતુબશાહને લડાઈ ખેલવાની સલાહ દીધી. અને લોકોમાં તેમ જ લડવૈયાઓમાં મર્દાઇ અને ઇતબાર પૂરવા માટે પોતાના એજ બેટા હઝરત શાહ આલમને શસ્ત્રો સજાવી ગૂજરાતની ફોજ સાથે મોકલ્યો. ગૂજરાતની એ ચમકી ઊઠેલી તાકાત સામે ટક્કર ન ઝીલી શકનાર માળવાનો મુહ્મ્મદ ખીલજી હાથ ખંખેરીને ચાલ્યો ગયો છે.'

'ત્યારે તો માળવા અને ગૂજરાત બેઉ મુસ્લીમ સુલતાનીઅતો વચ્ચે સદાનું વૈર ચાલશે.' એવો ઉદ્‌ગાર કાઢતા રા'ના મોં ઉપર એક હળવો આનંદ વિલસી રહ્યો.