પૃષ્ઠ:Ra Gangajaliyo.pdf/૧૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૧૯

ગૂજરાતના દરવેશો


'ત્યાં પણ તમારી ભૂલ થાય છે હિંદવા પાદશા.' દરવેશ જમીયલે પોતાની લાગણી સુખની છે કે દુઃખની એ ન કળાઇ જાય તેવી અદાથી જવાબ દીધો : 'મુસ્લિમોની ખુબી જ એ છે. તમે જાણીને દંગ ન થજો, કે માળવા-ગૂજરાત બેઉ અત્યારે એકસંપી કરી રહેલ છે. આપસમાં લડ્યા પછી તેમને દરવેશોની સલાહ સાચી લાગી છે, કે બેની લડાઇમાં ત્રીજાને ફાવટ થઇ છે.'

'ત્રીજા કોને?'

'રાજપૂત રિયાસતોને : ચિતોડના રાવ કુંભાને, ઇડરને વગેરેને. એટલા માટે બેઉ એકત્ર થાય છે. સંપ કરી ચિતોડ પર ધસી રહ્યા છે.'

રા' ખસીયાણો પડ્યો. સાંઇએ ટકોર કરી : 'હું તો કોઇનો પક્ષ લીધા વગર, જે હકીકત છે તે જ આપની પાસે મૂકી રહ્યો છું.'

'મને કાંઇ સલાહ?'ચિતોડ સમા સમર્થના ભુક્કા થવાના છે એ ભયે રા'એ સ્હેજ ઝાંખા બની પૂછ્યું.

'કંઇ સૂઝતું નથી રા'. અલ્લાહ ! અલ્લાહ ! અલ્લાહ !' એટલું ઉચ્ચરીને જમીયલશાહે આંખો પર પંજો ફેરવ્યો ને કહ્યું : 'આ તો કાળનું ચક્ર ફરે છે. ઉપર આવેલ ભાગ નીચે જવા નિર્માયેલ છે.'

એ મુલાકાત પૂરી થયેં રા' પાછા ઉપરકોટ આવ્યા ત્યારે એની સામે એક ચક્ર ફરતું દેખાયું. ગિરનારના શૃંગો પડતાં સંભળાયાં. ને એનો જીવ ઝોલે ચડ્યો. : 'મુસ્લિમ સુલતાનો માંહોમાંહ મરી ખૂટશે એ આશા જૂઠી પડે છે. રાજપૂતો, બ્રાહ્મણો ને શૂદ્રો એકત્ર બનશે એ વાટ પણ વ્યર્થ નીવડી છે. હુંદુવટ અંદરથી જ સડી જઈને ખોખરી બની છે. કોઈ ત્રાહિતને શો દોષ દેવો? પણ-પણ-પણ હું શા માટે ગાડા નીચેનું કૂતરૂં બની રહ્યો છું ! જોઅબનીયું આજ આવ્યું ને કાલ જાશે....'