પૃષ્ઠ:Ra Gangajaliyo.pdf/૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

તો ઓળખી કાઢીએ કે બેય મનુષ્યો દૂધનાં ઝાડવાં હતાં. કેમકે રંગો બેઉના રતાશ પડતા ઘઉંવરણા હતા.

પોતાના પગમાં આટલી ઉતાવળ હોવાનું કારણ તો ચારાણે કબૂલ કર્યું નહિ. પણ એ ઝડપ પ્રેમીજનોમાં હોય છે તે કરતાં જુદી જ જાતની હતી. જવાબ દેવાનો ય જાણે એને સમય ન હતો.

પોતાને ખભેથી ફરસી લઇને ચારણ એ ઘાટી વનરાઇનાં ઝરડાં પર ઘા પછી ઘા કરતો જતો હતો.

"પણ આ વસમાણ શીદ વેઠવી ચારણ?" બાઇએ ફરીવાર કહ્યું 'આપણે ગાડા-મારગે કાં હાલ્યાં નૈ? આ પોઠિયો ને ભેંસ પણ ઊઝરડાતાં આવે છે. આ પાડીનું ય મોં લોહીલોહાણ થતું આવે છે."

"હમણાં પાધરે મારગે ચડી જાશું, ચારણ્ય! હમણાં - હવે લાંબું છેટું નથી." એટલો જ જવાબ દેતો દેતો ચારણ ફરસીના ઘાયે ઘાયે વનરાઇના આડા ફરતા હાથને છેદતો ગયો.

ઝાડી પાંખી થઇ. કાંઇક ઉઘાડી જમીન આવી. એક ઘોરી મારગ દરિયાદી દિશાએ ચાલ્યો જતો હતો. તો પણ કેડાને વટાવીને ચારણ વનરાઇના ગૂંચવાએલા મારગ તરફ આગળ વધ્યો.

ફરીવાર જુવાન ચારણી એને ઠપકો દેવા લાગી. "ભણું ચારણ, આપણા નેસ તો આમ દરિયાદી દૃશ્યે છે. મું હજી હમણાં જ આપણો ગળ ખવાણો તે પછેં આવી'તી. મું ને બરોબર ઇયાદ છે ચારણ - તું ભાનભુલો કાં થે ગીયો? અટાણના પોરમાં લીલાં ઝાડવાંનો ઠાલો સોથ કાં વાળવા માંડ્યો? વનરાને વિના કારણ વાઢીએં નહિ."

"આમ ઢુંકડું છે ઢુકડું ચારણ્ય, હાલે આવ તું તારે."

એવા ત્રૂટક બોલ બોલતો ચારણ આગળ ને આગળ વધતો હતો.