પૃષ્ઠ:Ra Gangajaliyo.pdf/૧૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
પ્રકરણ સતરમું
નાગાજણ ગઢવી

'નાગાજણ ! ભલે નાગાજણ!' એવી વાહ વાહ આખી નવસોરઠમાં બોલતી હતી. મેણીઆ ગામના પાંચસો ચારણોમાંથી નસીબનો બળીઓ એક નાગાજણ નીકળી પડ્યો હતો. નાગાજણનાં તકદીરની ડગળી ફાટી પડી હતી. ઓહોહો! નાગાજણના હાથનો ક્સૂંબો રા' પીવે, ત્યારે રા'નું સાચું સવાર પડે. રોજ પ્રભાતે ઉઠીને હંસલા ઘોડા પર ચડી નાગાજણ જૂનાગઢ જાય તે છેક રાતે પાછો વળે છે.

સૌને ગમતી એ વાત એક જણને અણગમતી થઇ હતી. સૌના મોંમાં વાહ વાહ, ત્યારે એક જ માનવીના મોંમાં નિઃસાસો. સૌ નાગાજણને ખમા ખમા કરે ત્યારે એક જ જીવને ખોળીએ નાગાજણ જૂનાગઢ ગયે શ્વાસ ન રહે. એ માન્વી પણ પાછું કોઇ ત્રાહિત, ઇર્ષાળુ હરીફ નહિ, નાગાજણની જ ઉછેરણહાર ને પાલનહાર, નાગાજણનાં બાળોતીઆંથી જેણે હાથ બગાડેલ ને નાગાજણનાં જેણે ગુ મૂતર ઉપાડેલા તે દાદીમા નાગબાઇ પોતે જ.

પહેલી જ વાર જ્યારે નાગાજણે વધાઇ ખાધેલી કે 'આઇ, સોરઠનો રા' મારા પર સ્નેહ દાખવે છે.' ત્યારે જ આઇ નાગબાઇનું મોં