પૃષ્ઠ:Ra Gangajaliyo.pdf/૧૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૧

નાગાજણ ગઢવી


પડી ગયું હતું. એક અમંગળ વેણ એના હોઠને ફફડાવીને હૈયામાં પાછું વળી ગએલું. ને એ ખૂબ મુસીબતે એટલું જ બોલ્યાં હતાં કે 'હોય ભા! રાજા છે ને ! ત્રૂઠે ને રૂઠે!'

તે પછી ચાર છ મહિને રા'નું તેડું આવેલ, ત્યારે પણ આઇ નાગબાઇની જમણી આંખ ફરકી હતી. નાગબાઇના જમણા અંગે ધ્રૂજારી મારી હતી. ને નાગાજણ ઘોડો સાબદો કરી 'આઇ આશિષ દ્યો' એમ કહેતો ઊભો રહેલ ત્યારે દાદીમાએ સામું જોઇને ફક્ત એટલું જ કહેલું કે 'હા બાપ ! જોગમાયા તમને હીમખીમ પાછા પોગાડે.' એથી વધુ કશું જ નહિ. સિંદૂરનો એક ચાંદલો પણ આઇએ બેટાને કપાળે ચોડ્યો નહોતો.'

ત્યાર પછી તો નાગાજણે આવી આવીને રા'નાં જ્ઞાનની, ડહાપણની, વિદ્યાની, સન્મતિની કૈં કૈં વાતો કરી. આઇ ફક્ત મૂંગે મોંયે એ વાતો સાંભળી જ રહ્યાં હતાં. ને એટલું જ કહી લેતાં કે 'સારું બાપ ! જોગમાયા સૌની સન્મતિ સાબૂત રાખે. એની સન્મતિનો દીવો બળતો જ રહે એવી શીખસલાહનું દીવેલ રા'ના અંતરમાં પૂર્યા કરવા ચારણનો ધર્મ છે.'

'આપણે તો આઇ! સ્વારથ થોડો છે? આપણે કાંઇ એના શીખ સરપાવ જોતા નથી. આપણું તો અજાચી વ્રત છે.'

'સાચું બાપ!' નાગબાઇ ધરતી ઢાળું જોઇને જવાબ દેતાં, 'બાપ ફક્ત નાણાં ને સોનાંરૂપાનું અજાચીપણું જ બસ નથી. રાજવાળાંમાં આપણી બેઠ ઊઠ પણ આપણને બગાડનારી બને છે. રાજાનો પ્રેમ છે એપણ એક જાતનું સોનું જ છે. ને એ સોનું સાચા સોના કરતાં વધુ ચળાવે છે. એ પ્રેમ જ સાચી વાત કહેવાની વેળાએ આપણાં હૈયાં ઊપર ચડી બેસી આપણને શરમમાં નાખે છે માટે બાપ ! સાચવીને