પૃષ્ઠ:Ra Gangajaliyo.pdf/૧૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પ્રકરણ સતરમું

૧૨૨


ચાલવું. વાલાં વચ્ચે જ્યારે વેર થાય છે ત્યારે એ વેર તો વેરી વચ્ચેનાં વેરને ય ટપી જાય તેવું બને છે.'

નાગાજણને નવાઇ થતી હતી. દુઃખ પણ ઘણું લાગતું હતું. આવા દેવરાજાની મોહબ્બત પણ મા કેમ સહી નથી શકતાં ? ગઢપણ છે ખરું ને!

એમ કરતે કરતે તો નાગાજણને જૂનાગઢના તેડાં મહિને મહિને, પંદર પંદર દિવસે, અઠવાડિયે અઠવાડિયે ને પછી એકાંતરે આવતાં થયાં. પછી તો આઇ પાસે જઇને વાતો કરવાનું નાગાજણે છોડી દીધું. આઇને ફક્ત 'જાઊં છું' એટલું કહીને પોતે ઘોડો પલાણતો થયો. ને આઇ નાગબાઇ, પોતાનાથી કદાચ કાંઇક હીણું વેણ બોલી જવાય તે બીકે નાગાજણભાની જવા વેળાએ એવાં કામે ચડી જતાં કે મળવું જ ન પડે. બને ત્યાં સુધી નહાવા જ બેસી જતાં.

ઢોર ઢાંખરની સંભાળ નાગાજણના હાથમાંથી છૂટી ગઈ. ખેતરડાં પાદરડાં પણ નાગાજણના હાથની વ્યવસ્થામાંથી નીકળી ગયાં. આઇ નાગબાઇએ નાગાજણભાને કાંઇ કહેવું-કરાવવું જ છોડી દીધું. એક પોતે હતી, બીજી નાગાજણની વહુ હતી. બેય મળીને વહેવાર સંભાળવા લાગ્યા.

નાગાજણ ઘેર પાછો આવે ત્યારે ઘરનાં ઢોરને ધણીની ઘ્રાણ આવતી. અગાઉ તો નાગાજણ એ બધાંને જાતે સીમમાં લઇ ચારતો, ને પહર છોડતો, તે દિવસનાં હળી ગએલાં પશુ એના હાથ ચાટવાની હોંશે કોઢ્યમાં પગ પછાંડતા ને ભાં ભાં કરતાં. પણ નાગાજણની એ ટેવ છૂટી ગઇ. જે મૂંગું દુઃખ આઇ નાગબાઇને હૈયે હતું તે જ દુઃખ હતું આ ઢોરોને હૈયે.

નાગાજણ રા'ની વતી દેશાટણે પણ ઉપડવા લાગ્યો. નાના