પૃષ્ઠ:Ra Gangajaliyo.pdf/૧૩૩

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૨૩

નાગાજણ ગઢવી


મોટાં રાજરજવાડાંમાં પણ એ જાણીતો ને માનીતો થઇ પડ્યે એની સલાહો પૂછાવા લાગી.

'આઇ !' ગામગામનાં લોક નાગબાઇ પાસે આવીને વધાઇ દેવા લાગ્યા. 'આ તો ભારી મેળ મળ્યો: ગંગાજળિયો રાજા ને દેવી-ઘરનો ચારણ. આમાં તો દેશનું કલ્યાણ છે.

'તો સારૂં બાપ!' એટલું બોલીને આઇ ચૂપ રહેતાં. એને કદી આ સંબંધનો પોરસ આવ્યો નહિ. એના ઉમળકા બહાર દરશાણાં નહિ. એની આપદા પણ બહાર નીકળી નહિ. એણે અસલની રીતભાત પણ છોડી નહિ. ઢોર-માલ ઘોળીને એ પોતે જ પાણી પાઇ આવતાં. છાણ વાસીદું પણ એ જાતે જ કરી લેતાં. નાગાજણે ઘણી ઘણી માથાકૂટ કરી કે હવે આ અવસ્થાએ શા સારૂ વળગણ રાખો છો? કાં માલ ઓછો કરી નાખો, ને કાં હું માણસો રાખી દઉં.

'ના બાપ ! એમાં ક્યાં ઘસાઇ જાયેં છયેં? ને ઢોર કાંઇ પારકાં માણસ હથુ મૂકાય ? એ તો જીવતાં જીવ છે. કુટુંબીઓ છે. છોરૂડાં છે ઘરનાં.'

'આઇ ! એક ખાનગી વાત પૂછવાનું મને રા'એ કહ્યું છે.' નાગાજણે એક રાતે નાગબાઇને એકાંતે જણાવ્યું.

'પૂછોને બાપ!'

'હાથીલાના હમીરજી ગોહિલની તો તમને સાંભરણ ને?'

'તલે તલ યાદ. એને સોમનાથ જઇ મરશીયા સંભળાવનાર જ મારી બેન.'

'એનો વીવા થયેલો ખરો?'