પૃષ્ઠ:Ra Gangajaliyo.pdf/૧૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૨૫

નાગાજણ ગઢવી


'આશા નથી બાપ ! કરી જુવો. પણ અમદાવાદમાં કોક ચાડી ખાશે તો?'

'હા, એ વિચારવા જેવું.' થોડીવાર રહીને નાગાજણે બીજી વાત પૂછી: 'આઇ, રા'ને વરસ ઊતરતાં જાય છે.'

'હા બાપ, આયખું તો કોનું બેઠું રહે છે?'

'વાંસે પીંડ દેતલ કે વંશ રાખતલ કોઇ નથી.'

'બાપ,' આઇ હસ્યાં. 'એ વાતનો ઇસારો ય આપણાથી ન કરાય. રાજાને એવું ઓસાણ દેવું ઠીક નહિ.'

'પણ કુંતાદેએ પોતે જ કાકલૂદી મોકલી છે કે રા' ફરી પરણે.'

'એવી સુજાણ થઇને?'

'સ્ત્રીનું ખોળીયું છે ના!'

'એને આ મમત મૂકી દેવાનું મું વતી ભણજે ભા!'

'પોતે તો મમતે ચડ્યા છે કે પોતાના પ્રારબ્ધમાં છોરૂ ન હોય તો રા'ને બીજું ઘર કરાવવું.'

'અરે અસ્ત્રી ! અરે અભાગી જાત અસ્ત્રીની!'

નાગબાઇની નજરમાં ચાલીશ વર્ષનો ભૂતકાળ તરવરી ઊઠ્યો. એ ગંભીર સાદે બોલ્યાં, 'તું કહેછ ને બાપ, કે રા' તો જ્ઞાની છે!'

'હમીરજીનો દીકરો દીઠા પછી એના અંતરમાં શેર માટીની ઝંખના ઉપડી છે.'

'કોના સારૂ ! કયા ભવ સારૂ ! કયો વારસો સોંપી જવા સારૂ!'