પૃષ્ઠ:Ra Gangajaliyo.pdf/૧૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
પ્રકરણ અઢારમું
હાથીલાનો નાશ

પરકોટના કાંગરા ઉપર કોડિયાંની દીપમાળા પેટાઈ હતી. મંદિરો ઠાકુરદ્વારાઓમાં રાજકીર્તિની ઇશ્વરપ્રાર્થના ગવાતી હતી. નગારાં ને ઝાલરો વાગતાં હતાં. બ્રાહ્મણો આશિર્વાદ દેતા હતા.

અધરાતે તો પ્રજાજનોના માન સન્માનમાંથી માંડ માંડ પરવારીને રા' માંડળિક દરબારમાં પહોંચ્યા.

માંડળિક પોતાનાં વસ્ત્રો ઉતારતી કુંતાદેને વાત કહેતો હતો :- 'દેવડી, આજ હાથીલાની જીતનો આખો મલક ઊજવણું કરે છે, પણ મને એનો આનંદ નથી. કેમકે બખ્તરની કડીઓ છોડતી તારી આંગળીઓ અત્યારે ચાલતી નથી. મેં તારા કાકાબાપુ દુદાજીને પણ છેલ્લી વાર એક જ વેણ કહ્યું કે મારા હાથે આ નગરનો નાશ કરાવ મા, આંહી મારી કુંતા આળોટી હશે, આ તળાવની પાળે એ ફરી હશે, ને આ ચોકમાં એણે રાસડા લીધા હશે. પણ દુદાજી આંખમાં ઝેરને બદલે અમૃત ન આવ્યું તે ન જ આવ્યું તે ન જ આવ્યું. હું શું કરું દેવડી!'