પૃષ્ઠ:Ra Gangajaliyo.pdf/૧૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
પ્રકરણ ઓગણીસમું
ફરી પરણ્યા

ળતા દિવસે નાગાજણ ગઢવી રાજરજવાડાંમાં ભમીને ઊપરકોટ પર હાજર થયા. એના સમાચારમાં શ્વાસ નહોતો. ચિતોડના રાણા કુંભાજી એટલે રાજપૂતીનું શિરછત્ર. એના સર્વ ધમપછાડા ઉપર ગૂજરાત અને માળવાની સંયુક્ત સુલતાનીએ મીઠાં વાવી દીધાં હતાં. એણે ચારણને જવાબ વાળ્યો હતો કે સૌરાષ્ટ્રનાં દેવસ્થાનાંને લાગતી કોઇ પણ વાત આંહી કઢશો નહિ. ને હમીરજી ગોહિલની રખાત કોઈક ભીલડીના છોકરાને માટે, રા' માંડળિકને કહેજો, કે પાદશાહી સાથે ઊંડો ખોપ ખોદશો નહિ.

ઇડરરાજે જવાબ આપ્યો કે અમે તો બાપા, અમારી રિયાસત ટકાવવા માટે ગૂજરાતના સુલતાનને દીકરી સોત દીધી છે. હવે વળી અમે બેય વાતે શાને બગાડીએ? રા'માંડળિકને કહેજો કે થોડા વધુ વ્યવહારૂ બની જાય. ભીલના છોકરાને જમાઇ કરવા કરતાં સુલતાનના સાળા સસરા થવું શું ખોટું છે? ગૂજરાતનો સુલતાન વંશ તો અસલ ક્ષત્રિય ઓલાદનો જ છે ના ભાઇ! સમા પ્રમાણે વર્તવું એ ક્ષત્રિયનો સૌ પહેલો ધરમ છે.

પાવાગઢનો પતાઈ રાવળ તો હસવા જ લાગેલો : 'રા'ને કહો, લેર કરી લે લેર. આપ મુવા પછી ડુબ ગઈ દુનિયા!'