પૃષ્ઠ:Ra Gangajaliyo.pdf/૧૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
પ્રકરણ ઓગણીસમું

૧૩૪


એમ એક પછી એક તમામ રાજવીઓના હોઠ ઉપર પહેલો તેમજ છેલ્લો તો એકનો એક જ બોલ હતો કે ઉતાવાળો થઇને એકલો દોડી જીવ ગુમાવનાર એ અવ્યવહારુ હમીરજીને વીર શા માટે કહેવો? સુલતાનોને સંદેહ જન્મે એવી એની નવેસર પ્રતિષ્ઠા શીદ કરવી? અને એ ક્ષત્રિયને રસ્તામાં ભેટેલી નીચ વર્ણની રખાતના છોકરાને રાજપૂતીના છાપરે ચડાવવાની કુબુદ્ધિ સોરઠના રાજાને કેમ સૂઝે છે?

નાગાજણ ગઢવીના આ બધા સમાચારોએ રા'ને થોડી વાર તો થીજાવી દીધો. પણ વધુ વિચારો રા'ના હ્રદયનો એક છૂપો છાનો, અદીઠો, અતલવાસી માયલો અવાજ બોલી ઊઠ્યો : 'તું શા માટે ગાડા હેઠળનું કૂતરૂં બની રહ્યો છે? જોબનીયું આજ આવ્યું ને કાલ જાશે........'

'ઠીક. છોડો એ વાત.' કહીને રા'એ પોતાનાં બેઉ લમણાં પર આંગળીઓ દબાવી. પછી નાગાજણ ગઢવીએ કહ્યું.

'હુકમ હોય તો એક બીજો જે સંદેશો રાજરજવાડાંએ કહાવ્યો છે તે સંભળાવું.'

નાગાજણનું મોં સ્હેજ મલકાયું એટલે રા'નું કૌતુક જોર પર આવ્યું. એના કાન ચંચળ બન્યા. નાગાજણે કહ્યું.

'ચિતોડ, ઇડર ને સોરઠનાં સૌ રજવાડાં એક અવાજે ઠપકો દઈ રહ્યાં છે કે રા' ગંગાજળિયો હજી કેમ નીંદર કરી રહ્યો છે?'

'શેની નીંદર?'

'પારકાના ભવિષ્યની પળોજણ કરે છે પણ પોતાના ભવિષ્યનું ભાન જ કેમ નથી રહ્યું?'