પૃષ્ઠ:Ra Gangajaliyo.pdf/૧૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૩૫

ફરી પરણ્યા


'મારા ભવિષ્યનું ભાન!'

'એટલે એમ કે ગઢજૂનાનો વારસ ક્યાં છે? ગરવાદેવ જેવું તીરથ સૌને દીકરા વહેંચે, ત્યારે ઘરમાં જ કેમ અમીની છાંટ નથી પડતી?'

'શું કરીએ ભાઇ! એમાં તો પ્રારબ્ધનો દોષ છે.'

'ના મારા રા'!' ગઢવી નાગાજણે રા'ના જવાબમાં સુંવાળી ધરતી જોઇને વખતસર પગ લસરતા મુક્યા: 'પ્રારબ્ધ આડું નથી. એક કરતાં એકવીસ રજવાડાં પોતાની પદમણીયું જેવી પુત્રીઓ રા' ગંગાજળિયાને માટે ઓળઘોળ કરવા તૈયાર છે. ને ખમા ! અમારા કુંતાદે બોન પણ એની એજ વાત ઝંખે છે. ધરાઇને ધાન નથી જમતાં.'

'ખરેજ શું કુંતાએ તમને કાંઇ કહ્યું હતું ગઢવી?'

'હું વિદાય લેવા ગયો હતો ત્યારે છેલ્લી ને પહેલી ભલામણ એજ હતી કે ભા ! મારે માથેથી મેણું ઊતરાવતા આવજો.'

'કુંતાદે તો સાચી દેવી છે.' રા'નું મોં પ્રફુલ્લિત બન્યું. 'આવી મોટા મનની સ્ત્રીની તો હું પૂજા કર્યા કરૂં એવા ભાવ થાય છે.'

આવા સુંદર શબ્દોનો લેબાસ ધરીને રા'ના હ્રદયની નબળાઇ બોલી રહી હતી. એણે પૂછ્યું 'નાગાજણ ભાઈ, તમે મારા ચારણ નહિ પણ સગા ભાઈને ઠેકાણે છો. તમારૂં શું ધ્યાન પડે છે તે કહેશો?'

'હું તો મારા રા', ઠેકાણું પણ જોઇ કરીને આવ્યો છું.'

'એટલી બધી ઉતાવળ?'

'શું કરૂં ? મારાં બોન કુંતાદેને તે વગર મોં કેમ કરી બતાવું?'

'ક્યાં જોયું ઠેકાણું?'