પૃષ્ઠ:Ra Gangajaliyo.pdf/૧૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
પ્રકરણ વીસમું
મહમ્મ્દ બીઘરો

"આજે અમદાવાદમાં જે ભાગ રસુલપુરા નામે ઓળખાય છે તે એક સ્વચ્છ, સુગંધમય ગામડું હતું. લોબાનની ખુશબો જેના પાદરમાંથી જ આવવા લાગે એને આંખો મીંચીને રસુલપરૂં કહી શકો. લીલી ને સફેદ ધજાઓ એ ગામનાં ઝાડ પર પંખીના ટોળા જેવી ઊડતી હતી. રસુલપૂરામાં કોલાહલ નહોતો. ગામ પોતે જ જાણે ધ્યાનમગ્ન હતું. તેના એક વિશાળ ચોગાનમાં તે વખતે એક નાનું મકાન હતું. મકાનમાં એક સ્વચ્છ ઓરડો હતો. ઓરડાની અંદર એક સાદું શયન હતું. શયનની જમણી બાજુ એક કુરાનનું પુસ્તક અદબથી રખાયું હતું. સમ્ધ્યાનો લોબાન તાજો સળગાવેલો હતો.

ઓરડો પુરુષનો, પણ પુરુષ નહોતો. ઓરત હતી. ઓરતે પોતાના માથા વાળની લટો જ્યારે પીઠ પરથી આગળ આણી ત્યારે એ સુરમારંગની શ્યામ લટોના છેડા છેક ઓરતના ઘૂંટણ સુધી છવાયા.

આટલા લાંબા વાળને પૂળાની માફક પકડીને ઓરત એ ઓરડાની બદામી ફરસબંધી પર ઝુકી પડી.

એ શું કરવા લાગી? એ શું પાગલી હતી? આવા રેશમી લાંબા કેશકલાપને એ ફરસબંધી પર શા માટે ધસી રહી હતી?