પૃષ્ઠ:Ra Gangajaliyo.pdf/૧૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૩૯

મહમ્મદ બીઘરો

કારણકે એ માતા હતી, ને પ્રિયા હતી. ચોટલાનું ઝાડુ કરીને એ ફરસબંધી પર સંજવારી કાઢતી હતી.

કોણહતા એ ભાગ્યવાન ઘરધણી?

દરવેશ હતા, ધર્મપુરુષ હતા. ને ઓલિયા હતા. માલિકના ભિક્ષુકનું ઘર દુનિયાની વધુમાં વધુ કિંમતી સાવરણી વડે સાફ થઇ રહ્યું હતું.

જેનું નામ હઝરત શાહઆલમ હતું, તે દરવેશે ઓચીંતા પ્રવેશ કરીને ચૂપકીદીથી આ દૃશ્ય દીઠું, ઓરતને ઓળખી:-

'બીબી મુઘલી ! માલિકની ખિદમત માટે બાલનું ઝાડુ કર્યાં આજ કેટલા દિવસ થયા?'

'આવી છું તેટલા.' શરમાઇને એ વાળતી રહી.

'બીબી મુઘલી ! માલિકના હું અહેસાન ગાઇશ. પણ તમે હવે આ ઘર છોડી જાઓ. મારી ઓરત તમારી બહેન બીબી મીરઘી, હવે હયાતીમાંથી ચાલી ગઇ છે. હવે આ ઘરભંગ દરવેશના ઘરમાં તમને વિધવાને હું અદબભેર કેમ કરી રાખી શકું ? તમે તો મર્હુમ સુલતાનનાં સુલતાના છો. પધારો પાદશાહે મહેલમાં.'

ઓરત જેનું નામ બીબી મુઘલી હતું, તેણે તો વાળવું ચાલુ જ રાખ્યું. ફરીથી દરવેશે કહ્યું, 'સુલતાના, તકીયો છોડી જાવ.'

'ક્યાં જાઉં? બહાર નીકળું એટલી જ વાર છે, મારા ફતીઆનો જાન જાતાં શો ડર લાગશે એ લોકોને? તો પછી આપે આજ સુધી આશરો આપીને એ ફતીઆને શીદ ઉગાર્યો હઝરત?'

'બીબી, ત્યારે શુ કરશું?'

'યાદ આવે છે હઝરત ? મારા પિતાએ અમો બેઉ બહેનોને માટે જે શાદી નક્કી કરેલી તે ઊલટ સૂલટ થઈ ગએલી - નથી યાદ?'