પૃષ્ઠ:Ra Gangajaliyo.pdf/૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ચારણના સાદને અવગણતી એ સ્ત્રી એ ગાડાખેડુઓ પાસેથી વાત કઢાવે છે. ઊના દેલવાડાનો રાજા વીજલ વાજો એક ભાટની બાયડીને રંગમોલમાં ઉપાડી ગયો છે, તેની સામું તમામ ભાટોએ ત્રાગું માંડ્યું છે, આજ બે દિ' થઈ ગયા.

"ને છોકરાં ચડાવે છે?"

"હા આઈ, ભલકાં ખોડ્યાં છે, માથે છોકરાં હીલોળીને ચડાવે છે. એનાં લોહી ગામના બીડેલા દરવાજા માથે છાંટે છે. ભલાં થઇને મારગ છાંડો મતાજી, અમારાથી એ વાત વર્ણવાતી નથી."

"જાવ વીર."

"ગાડાં રસ્તે પડ્યાં. ચારણીએ ધણીને પાછો બોલાવ્યો. પોઠિયો ને ભેંસ એટલી વાર જમીનમાં મોં નાખીને સૂકા ઘાસની સળીઓ ચાટતાં રહ્યાં. પાડી ભેંસનાં આંચળમાં માથાં મારતી કૂદતી હતી.

"ચારણ !" ઓરતનો ચહેરો બદલી ગયો હતો. "આપણો નેસ તો ઊના દેલવાડાની ઉપરવાડે ના?"

"હા."

"ઊના દેલવાડા તો આ દરિયાદી દૃશ્યે રીયાં, ને તું આટલા ફેરમાં કેમ અમુંને લઇ જા છ?"

ચારણ ચૂપ રહ્યો.

"ઊના દેલવાડાને દરવાજે ત્રાગું મંડાણું છે એની ચોરીએ કે?"

ચારણ ન બોલ્યો.

"આપણથી આમ તરીને નો જવાય ચારણ."

ચારણનું મોં વીલું પડ્યું.