પૃષ્ઠ:Ra Gangajaliyo.pdf/૧૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
પ્રકરણ વીસમું

૧૪૨

અમ્મા, ખુદ સુલતાન કુતુબશાહ પણ હતો. આપણી આયાએ તો ગભરાટમાં ને ગભરાટમાં કહ્યું, સુલતાન સલામત, એ ફતેહખાન નથી, એ તો ફલાણા અમીરની છોકરી છે. પછી અમ્મા, તસલ્લી કરવા માટે સુલતાને મારી ઇજાર ખોલી ને મને સાચોસાચ છોકરી જોઇને શરમીંદો બની ઊતરી ગયો. ફરી પાછો મને પકડવા ઉપર આવ્યો. મારો હાથ પકડ્યો, પણ મારો હાથ તો તે વખતે એને વાઘના પંજા જેવો લાગ્યો, એટલે એ ભાગી ગયો. કેવી રૌનક ! કેવી ગમ્મત, હેં અમ્મા ! હઝરત બાબાજી પણ મને ઘડીક છોકરી બનાવે છે ને ઘડીક પાછા વાઘ બનાવે છે, કેવી ગમ્મત હેં અમ્મા!' છોકરો આવી વાતો કરતો કરતો ધાનની હાંડી ચટ કરતો જતો હતો.

'બેવકૂફ ! મોટો લપ લપ બાતો કરે છે, ને ડરતો નથી?'

'નહિ અમ્મા !' ફાટફાટ ગલોફે છોકરો જવાબ દેતો હતો : 'હું બિલકુલ ડરતો નથી. ડરને બદલે મને તો રૌનક મળે છે. તું પણ કેમ ગમ્મત કરતી નથી?'

'બેટા ! મારા ફૂલ ! તને સુલતાન મારી નાખશે.'

'શા માટે પણ?'

'તું એનો સાવકો ભાઈ છે. એને દીકરો નથી. એનું તખ્ત તને મળશે એ એનાથી સહેવાતું નથી.'

'એને કોઈ નહિ મારી શકે. એને ખુદા જીવાડશે!' એવું કહેતા કહેતા, બહર જઇને આવેલા દરવેશ શાહઆલમ દાખલ થયા. એની આંખોમાં બીબી મુઘલી તરફ અત્યારે જે ચમક હતી તે ન્યારી હતી. એ આંખોમાં પ્યારનો સુરમો હતો. આવીને એણે પોતાના હાથમાં એક ટોપલી હતી તે છોકરા ફતેહખાનના માથા પર મૂકી.