પૃષ્ઠ:Ra Gangajaliyo.pdf/૧૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૪૭

મહમ્મદ બીઘરો


'હવે એ ઊલટી વાળીને ફતીઆના શિરપર મૂકો તો!' બીબી મુઘલીએ દરવેશની આંખોનો સૂરમો વાંચીને પછી કહ્યું.

'આ લે બીબીજાન !' એમ કહી ટોપલી ઊંધી વાળી શાહઆલમે આ છોકરાના માથા પર ઢાંકી.

'બસ, હવે હું ડરતી મટી ગઈ છું. મારા છોકરાને માથે આપે આપની રક્ષાનું રાજછત્ર ઓઢાડ્યું છે.'

* * *

સુલતાન કુતુબશાહને ખબર પડી કે પોતાની સાવકી મા સાથે શાહઆલમે શાદી કરી લીધી છે ને પેલા નાચીઝ નમાલા સાવકા ભાઇ રઝળુ ફતીઆના શિર પર ગૂજરાતની ભાવિ સુલતાનીઅતનું છત્ર ઓઢાડ્યું છે. એના મનની આગે માઝા મૂકી. એણે પોતાની રાણી રૂપમંજરીને કહ્યું, ' જાવ ગમે તેમ કરી, ફોસલાવી, પટાવી, ફતીઆને મારી પાસે લઇ આવો.'

રાણી રૂપમંજરી (નામ પરથી કોઇ હિંદુ રાણી લાગે છે.) ગઇ ત્યારે ફતેહખાન શાહ આલમ પાસે બેઠો હતો. એના હાથ ખેંચીને રૂપમંજરી ઉઠાડવા લાગી.

'બેગમ સાહેબા !' શાહ આલમે મોં મલકાવીને કહ્યું : 'આજ આપ એનો હાથ ખેંચો છો, પણ કોઇક દિવસ એ આપનો હાથ ખેંચવાનો છે એ યાદ રાખજો હો કે!'

શરમાઇને રાણી રૂપમંજરી છોકરાનો હાથ છોડી દઇ ચાલી ગઇ.

સુલતાન કુતુબશાહને આ સમાચાર મળ્યા ત્યારે એ દારૂમાં ચકચૂર હતો. નશામાં ને નશામાં એ ઘોડે ચડ્યો. ને એણે ફોજને હુકમ દીધો : 'શાહઆલમના સ્થાન રસુલાબાદને તારાજ કરો.'