પૃષ્ઠ:Ra Gangajaliyo.pdf/૧૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૪૫

મહમ્મદ બીઘરો

પર તલવારનો ઘા કર્યો. તલવાર ઊંટને ન વાગી, પણ મારનારની ખુદની જાંઘ પર એ તલવારનો ઝટકો પડ્યો.

જખમ લઇને કુતુબશાહ પાછો વળ્યો. કેફ ઊતરી ગયો. કાયમના બિછાને સૂતો. જખમની પીડા પ્રતિદિન વધતી જ રહી. કાંઇ જ કરાર મળ્યો નહિ. મહેલની બારીએથી પલંગે પડ્યાં પડ્યાં એણે એક દિવસ નીચે સાબરમતીના પટમાં એક કઠિયારાને લાકડાનો ભારો લઇ આવતો દીઠો.

કઠિયારાના માથા પર કઠોર બોજો છે : પગ તળે સાબરમતીની રેતે સળગે છે. કઠિયારો ચીંથરેહાલ છે. કઠિયારો કિનારે આવે છે, ભારો નીચે ઉતારે છે, તાપમાં જ નીચે બેસે છે. કેડેથી કાંઈક બહાર કાઢે છે: એક સૂકો રોટલો અને કાંદાના કેટલાક કટકા.

કઠિઆરો રોટલો ખાય છે, કાંદા કકડાવે છે. ખાતાં ખાતાં એના મોં પર જે આનંદ છવાઇ રહે છે તેના ઉપર ઊંચા ભદ્ર-ઝરૂખેથી મરતા શાહની મીટ મંડાઇ ગઇ છે.

ખાઇને કઠિયારાએ નદીનું વ્હેતું પાણી પીધું, ને પછી ગઢની રાંગના છાંયામાં જઇ સૂતો. સૂવાની સાથે જ ઘસઘસાટ નિદ્રામાં પડ્યો.

મરણપથારી પરથી સુલતાનનો આત્મા પુકારી ઊઠ્યો : 'ઓ કઠિયારા ! આ લે, લઇ લે આ મારી સુલતાનીઅત, ને મને દઈ દે- ફક્ત તારી તંદુરસ્તી!'

પણ નહિ નહિ, જીવલેણ જખ્મ પછી પણ થોડુંક પિરસવું કિસ્મતે હજુ એ સુલતાનને માટે બાકી રાખ્યું હતું. એ હતું ઝેરનું પ્યાલું. એ પ્યાલું સુલતાનને એની પોતાની જ એક મુસ્લિમ રાણીએ પાઈ દીધું.