પૃષ્ઠ:Ra Gangajaliyo.pdf/૧૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૪૭

મહમ્મદ બીઘરો

'ને બીજું?'

'એ તો વળી વિશેષ ગઝબનાક વાત છે. ગાદીએ બેસીને પહેલો જ હુકમ એણે આ કર્યો છે હઝરત ! કે કબૂતરોના દાણામાં ને દીવા બત્તીના તેલમાં ખરચનો ઘટાડો કરવો.'

શાહઆલમ હસ્યા ને બોલ્યા, 'એ તો કરકસરીઓ સુલતાન કહેવાય. તમને એ કેમ નાપસંદ બન્યું?'

'નહિ હઝરત ! એવો કંજૂસ, એવો સાંકડા દિલનો માણસ ગૂજરાતની રિયાસત ચલાવવાનો નાલાયક ઠરે છે. એનું અમારે કામ નથી. ગૂજરાતને તો જોઇએ દિલાવર રાજવી.'

'તો કોનું , મારૂં કામ છે?'

'નહિ, આપના રક્ષિત બાલક ફતેહખાનનું.'

'એ તો બચ્ચું કહેવાય.'

'બચ્ચું પણ શેરનું ! તેમ આપના હાથની તાલીમ પામેલ છે. તેનું તાલકું તેજ કરે છે. એની વિભૂતિ ખુલ્લી દેખાય છે. ને એ તખ્તનો હક્કદાર પણ છે.'

'તો પૂછો એની માને. મારો શો હક્ક?'

અમીરો ને વઝીરો જ્યારે બીબી મુઘલી પાસે ગયા, ત્યારે એ ઓરતનો શ્વાસ ઊંચે ચડી ગયો. એને જ્યારે ફોડ (સ્ફોટ) પાડવામાં આવ્યો, ત્યારે પણ એણે હાથ જોડ્યા : 'મારા દીકરાને માટે સુલતાનીઅત ન જોઇએ. એને કોઈ ઝેર દેશે, એને કોઈ મારી નાખશે.'

'એ મહાપ્રતાપી પાદશાહ થશે. બી અમ્મા ! ન ડરો.'