પૃષ્ઠ:Ra Gangajaliyo.pdf/૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

"આપણે ચોર ઠરીએં, જોગમાયાનાં ચોર : નવલાખ લોબાડીયાળીયું ના ચોર."

"ઠ......ક ! ઠ......ક ! ઠ......ક !" લક્કડખોદના ચાંચ-ટોચા.

"આપણે ય ત્રાગાળું વરણ. ત્રાગું થાતું સાંભળીને કેડો ન તારવાય. હા, ઇ દૃશ્યે આપણો મારગ જ ન હત તો તો ઠીક હૂતું"

"મુંને ખબર પડી ગઇ'તી ચારણ્ય ! માટે જ હું ફેરમાં હાલતો હતો."

"ને એટલા માટે જ તું ઉતાવળો થાતો'તો, ખરૂં ચારણ?"

"થાવાનું હતું તે થે ગીયું. હવે હાલો."

"હાલો. આમ ઊનાને કેડે."

"જાણી બુઝીને?"

"અજાણ્યાં હોત તો અફસોસ નો'તો. જાણ્યા પછેં કાંઇ આપણથી મારગ છંડાય? આપણે ચારણ. ત્રાગાળું વરણ."

"ચારણ્ય, આવી હાંસી?"

"હસતી નથી. હું હૈયાની વાત ભણું છું."

"આંઈ જો." ચારણે બે હાથ જોડ્યા. "મારો અપરાધ થયો. પણ હવે લાહ આમની. હું પગે પડું છું."

"કાલો થા મા, ને આમનો હાલ્ય."

મોં હસતું રાખવા મથતા ચારણે ઓરતની પાસે જઈને હાથ ઝાલવા પોતાનો રૂપાના વેઢાવાળો પંજો લંબાવ્યો.

"અડાય નૈ, ચારણ, હવે અડાય નૈ. છેટું પડે છે."