પૃષ્ઠ:Ra Gangajaliyo.pdf/૧૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

'ગંગોદક આવીને એક્કેક પહોર સુધી પડ્યું રહે છે.'

'હમણાં ન્હાઇ લઉં છું.' બગાસું રોકવા રા'મથ્યા.

'હમણાં એટલે ક્યારે?'

'કસૂંબો પી લઉં.' રા' આળસ મરડતા મરડતા અટકી ગયા.

'લ્યો હું કસુંબો પાઇ લઉં.'

'એમાં કંઇ નહિ વળે.'

'કેમ કાંઇ નહિ વળે?'

'નાગાજણ ગઢવી આવીને હમણાં પાશે.'

'અમૂક માણસ પાય ત્યારે જ કસૂંબો ઊગે-એવા કેદી કેમ બન્યા છો ?'

'મઝા આવે છે.' રા'ના મોંમાં એ બોલતાં બગાસાં ઉપર બગાસાં આવતાં હતાં.

'આ મઝામાં સારાવટ નથી.' કુંતાદે હસવું છોડીને જરા કરડું વેણ બોલ્યાં.

'દેવી !'

'ના, દેવી ન કહો, જે એક વાર કહેતા તેનું તે જ તોછડું નામ દઇ બોલાવો.' કુંતાદે ઝંખતી હતી 'દેવડી' શબ્દનું સંબોધન સાંભળવા.

'હવે જીભ ઉપડે કાંઇ ?'

'કેમ, હું બહુ વૃદ્ધ બની ગઇ છું ?'

'ના, વડીલ છો .'

'મારા રા' ! આ છેતરપીંડી ને આ રમત છોડી દિયો.'