પૃષ્ઠ:Ra Gangajaliyo.pdf/૧૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
પ્રકરણ એકવીસમું

૧૫૨


તમારા બખ્તરની ક્ડીઓ બીડવાના હશે, તમને હાથમાં સમશેર આપવાના હશે.'

'ના રે, એવું કાંઇ કરવાની જરૂર નહિ રહે. એ તો ગૂજરાતમાં હાલી પડી છે માંહોમાંહ મારામારી ને કાપાકાપી. અને નાગાજણ ગઢવી તો કહે છે ને - છાતી ઠોકીને કહે છે- કે આ ઘનઘોર ઝાડીએ વીંટ્યો આપણો ઊપરકોટ, અને બીજા આપણા ગરવાદેવ માથેનો ઊપરકોટ, ત્યાં સુલતાનનો બાપ પણ પોગે એમ નથી. મારે બીજી શી ફિકર છે ?'

એટલામાં તો સાચેસાચ ઘોડાનો જાણીતો હહણાટ થયો. નાગાજણ ગઢવી આવી પહોંચ્યો. રા'એ કહ્યું, 'દેવી ! આ સાવઝથી નાગાજણ ભાઇ ડરશે હો ! અંદર પધારશો ?'

સામે બારણે નીસરણી ઉપર નાગાજણ ચડતો આવતો હતો. પાછલે બારણેથી કુંતાદે બહાર ચાલી નીકળ્યાં.

કસૂંબાની પ્યાલીઓ તૈયાર હતી. નાગાજણે પાતાં પાતાં ખબર આપ્યા કે 'વીજા વાજાએ ગુપ્ત પ્રયાગમાં જઈ બ્રાહ્મણોને કાપી નાખ્યા. સવાશેર જનોઇના ત્રાગડા ઊતર્યા.'

'એ..મ ! ઓહો ! ત્યારે તો......' બાકીનો આનંદ રા'ની જીભે નહિ પણ મુખની રેખાઓએ પ્રદર્શિત કર્યો.

'અને બીજું અન્નદાતા !' નાગાજણે વિશેષ ખબર આપ્યા. 'વીકાજી કાકાએ બહારવટે નીકળવાની તૈયારી કરી છે.'

વીકાજી સરવૈયા રા'ના ભાયાત થતા હતા.

'બાપડો વીકોજી કાકો ! રા'એ કસૂંબાના ચડતા તોરમાં કહ્યું : 'એની સરવા ગામની ચોવીશી મારે ઝૂંટવી લેવી પડી છે, કેમકે