પૃષ્ઠ:Ra Gangajaliyo.pdf/૧૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૫૩

કસૂંબાનો કેફ


એને ય લૂંટફાટ કરવી છે. એને ખબર નથી કે દુદાજીને રોળી નાકનાર રા'ની ભુજાઓ હજી તો લાંબી છે.'

એમ કહેતે કહેતે રા'એ ભૂજાઓ લાંબી કરી. પણ એ ભૂજાઓ હવે ભરાવદાર નહોતી રહી. એ હાથ ધૂજતા હતા. 'એ તો ભલે બહારવટું કરે. પણ હેં નાગાજણ ભાઇ ! તમે કાલે જે વાત કરી, કે અપ્સરાઓ મૃત્યુલોકમાં પણ હોય છે, તો એની એંધાણી શી ?'

'એક એંધાણી તો એ બાપ, કે અપ્સરાના હાથપગના નખ ઉતારીને જો તમે તડકામાં રાખોને, તો એ ઘી ઓગળે તેમ ઓગળી જાય.'

'ઓગળી જાય ? પાણી થઈ જાય ?'

'હા અન્નદાતા.'

'એવાં સુકોમળ રૂપ મરતલોકમાં પડ્યાં છે હેં ! ખરૂં કહો છો ?'

'હા બાપ, પૃથ્વી ક્યાં વાંઝણી છે ?'

'આહાહા ! એવી અપ્સરા કોઇ દીઠામાં કે સાંભળવામાં ન આવી.' રા'એ અફસોસ બતાવ્યો.

'પણ હું કહું છું તેમાં અંદેશો ન રાખજો અન્નદાતા ! અપસરાઉં મરતલોકમાં પડી છે.'

'વાહ ! ધન્ય ભાગ્ય છે એનું જેને ઘેર અપસરાઓ હશે.'

નાગાજણ ચૂપ રહ્યો. છતાં એના મોં ઉપર એક છૂપી ગર્વની લાગણી હતી.

'તમને ખબર છે ખરી ?' રા' રાંકડો બની પૂછતો હતો.