પૃષ્ઠ:Ra Gangajaliyo.pdf/૧૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૫૫

કસૂંબાનો કેફ


ખેંચી રહ્યો છે. અશ્વોના હણહણાટ, નગારે ધ્રોંસા, સમશેરની સબાસબી, બખ્તરની કડીઓના ઝંકાર, પ્રભાતની લશકરી કવાયતો, આ ડુંગરમાળ ઉપર ગેડીદડા જેવી ગાજતી ઘોડાંની દોટમદોટ...એ બધું મને હવે ખારૂં ખારૂં લાગે છે. ડૂબી જ રહું જાણે, તમારી આ એક અંજલિમાં ડૂબીને પડ્યો રહું, એક જુગ જેવડી રાત લંબાય, સમુદ્રના તળિયા સુધી નીંદરના ઊંડાણ ખોદાય, ને વાર્તાઓ સૂણું ફક્ત એક અપ્સરાઓની..........'

રા' બોલતા હતા તે વાણીમાં શરાબની લવારી નહોતી. અફીણના મદનો એક પછી એક ચોખ્ખો બોલ હતો. બોલ સાંભળી સાંભળી નાગાજણ બ્હીતો બ્હીતો રાજી થતો હતો.

રા'ના હૃદયમાં કાંઈક શૂળ છે, કોઈ બારીક કાંટો કલેજાંને ત્રોફી રહ્યો છે. રા' કાંઈક ન ભૂલી શકાય એવું ભૂલવા મથે છે. રા'નો જીવ કોઈક ગિરિ-ટોચેથી ઊતરીને થાક્યો પાક્યો એકાએક અતલ ખીણમાં લસરવા ચાહે છે. ઊંચાણો ઉપર ઊભેલા રા'ને જાણે તમ્મર આવે છે.

'અન્નદાતા ! મારા હાડચામડીના ખાળુ ! તમને શું મૂંઝારો છે ?'

'નાગાજણભાઈ !' રા'નો સાદ સાવ ધીરો બન્યો. 'કોઈને કહેતા નહિ હો ? કહું ? કહું ? સાંભળો. એ હમીરજી ગોહિલનો બેટો ક્યાં છે ? આંહી નથી ને ? આંહી હવે આવતો નથી ને ? તમે તપાસ કરાવજો હો ! એની પાસે એક ચંદન ઘો છે.'

'અરે પણ શું છે ? ડરો છો કેમ રા' ? દાંત કેમ કચકચાવો છો ?'

'એ ચંદન ઘોને ભીલનો છોકરો ક્યાં ચડાવે છે જાણો છો ? હું જાણું છું. બીજું કોઈ નથી જાણતું. ઉપરકોટની પાછલી રાંગે, આ પાતાળી ખોપનાં ઝાડવાં ટપતો ટપતો એ કાળી રાતે આવે છે. એ