પૃષ્ઠ:Ra Gangajaliyo.pdf/૧૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
પ્રકરણ એકવીસમું

૧૫૬


રાંગની હેઠે ઊભો રહે છે. ચંદન ઘોને રાંગની ટોચે ચડાવે છે. ને પછી પોતે એ રસી પકડીને ચડે છે, ચડે છે, ને-ને આવે છે-ક્યાં, કહું ? ના, નહિ કહું. કોઈને કહેવા જેવી વાત નથી. કુંતાદે જાણે તો મને મારી નાખે, મને ઝેર આપે. માટે તો હું એને મહેલે થાળી જમતો નથી.'

'અરે પણ આ શું છે ? મારી એકની આગળ તો હૈયું ઠાલવો ! ભાર ઓછો થશે.'

'એ ચડીને આવે છે કુંતાદેના ગોખમાં. ને-ને એ જુવાન ભીલડો કુંતાદે સાથે વાતો કરે છે.' રા'ના સ્વરમાં રૂદન હતું.

નાગાજણના મોંમાં શબ્દ નહોતો.

ચૂપકીદી ઠીક ઠીક સમય ચાલુ રહી. નાગાજણે રા'ને ચાર વધુ અંજલિ કસૂંબો લેવરાવ્યો. રા' ગુલતાનમાં આવી ગયા ને બોલ્યા, 'કૂવામાં પડે બીજી બધી વાતો. નાગાજણભાઈ, અપ્સરાઓની વાતો કરો. તરેહ તરેહની અપ્સરાઓ વર્ણવો. તમામ વાતોમાં મીઠામાં મીઠી તો બસ, અપ્સરાઓની જ વાતો છે. અપ્સરાનીને રાજકુંવરની વાતો.'