પૃષ્ઠ:Ra Gangajaliyo.pdf/૧૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૫૯

નરસૈયો


વેપારી પણ નાનો હતો. એણે આદર આપ્યો : 'રાધેકૃષ્ણ નરસૈયાજી !'

'રાધેકૃષ્ણ.' એ સામા જવાબમાં તાજા ફૂલની સૌરભ હતી ને ગીતનો ઝંકાર હતો. એવી મીઠાશ કોઇક કોઇક, બહુ જુક્તિભેર સાચવેલાં ગળામાંથી જ મળે છે.

'કેમ કોઇ દિવસ નહિ ને આજ ઘી લેવા નીકળવું પડ્યું ?' પૂછનાર વેપારીને ખબર હતી કે આ ઘરાકના ઘરનો રોટલો ભાગ્યે જ કદી ઘીએ ચોપડાતો હતો.

'પિતાજીનું શ્રાદ્ધ છે.' ભકત નિર્મળ હાસ્ય હસતા પાટિયા પર બેઠા.

'તે તો મોટાભાઇ કરે છે ને ? એમણે તો ન્યાતમાં જમવાનાં નોતરાં પણ દીધાં છે.'

'હા, મને ખબર છે. હું પુછવા ગએલો. એમણે તો કહી દીધું કે અમે અમારે ફાવે તેમ કરી લેશું. તારે કરવું હોય તો કરજે.'

'ત્યારે ? શું તમને નોતરું નથી ?'

'નથી. ઉપરાંત મને તો આ બધી કડાકૂટ ક્યાં ફાવે છે ? પણ કુંવરબાઇનાં મા માનતાં નથી. એના પિતાની વાત તો દૂર રહી, આ તો મારા પિતાનું શ્રાદ્ધ કરવાની હઠ લઇને જ બેઠાં છે. પરાણે તપેલી પકડાવીને ધકેલ્યો છે. આવવું જ જોવે ને. શામળની માતામાં પણ મારો દામોદરરાય જ વસેલો છે ને ?'

'શામળશા જીવ્યો હોત તો તમારે આ ખટાપટી ન કરવી પડત.'

'એ તો વ્હાલાજીની-દામોદરરાયજીની ઇચ્છાની વાત છે.' એમ કહીને ચાલીસેક વર્ષના ભક્ત-જેનું નામ નરસૈ મહેતો હતું-તેણે એવું ને એવું નિર્મળ હાસ્ય કર્યું.