પૃષ્ઠ:Ra Gangajaliyo.pdf/૧૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
પ્રકરણ બાવીસમું

૧૬૦


'તમે પણ ભક્તજી, ભારી કઠણ છો.'

'કઠણ રાખવા વાળો તો મારો વ્હાલોજી છે. હું તો કાંઇ નથી. લ્યો ભાઇ, લાવો. હજુ ઘેર જઇશ ત્યારે રસોઇ માંડશે. ને નોતરાં ય હજુ હવે દેવા જવું છે.'

'કેટલાનું આપું?'

'આનું જેટલું આવી શકે તેટલું.' એમ કહેતે કહેતે એ અર્ધનિદ્રિત જેવા જણાતા નરસૈયાએ પોતાના દુપટ્ટાના છેડાની કોરેથી ચંથરી છોડીને એક ચીજ દુકાનદારના હાથમાં મૂકી.

'આ શું ? આ તો સોનાની વાળી છે.'

'એ જે હોય તે. મને તો કુંવરબાઇની બાએ આપી છે.'

'ઘરમાં બીજું કાંઇ રોકડ નથી.'

'મને કશી ખબર નથી.'

'ભક્તજી, આ તો તમારાં વહુનાં કાનની વાળી છે.'

'એ જે હોય તે. વારંવાર જ્યારે જ્યારે કાંઇ ખરીદી લાવવું હોય ત્યારે એ પોતાના શરીર પરથી ઉતારી ઉતારીને કંઇક નાનું કે મોટું ઘરેણું મને આપે છે. હવે કાંઇ બાકી રહ્યું જણાતું નથી. એટલે મારે પણ કાયમની કડાકૂટ મટી જશે.' બોલતો બોલતો ભક્ત નરસૈયો મોં પર મોટી રાહત ને મોકળાશ અનુભવી રહ્યો.

નરસૈયા માટે જે સહેલ હતું તે હાટડીદારને માટે મુશ્કેલ બન્યું. એણે એ એક વાળી ઉપરથી નરસૈયાના ઘરની કલ્પના કરી. એ સ્ત્રીના શરીર ઉપર હવે વાલની વાળી પણ નહિ રહી હોય.