પૃષ્ઠ:Ra Gangajaliyo.pdf/૧૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૬૧

નરસૈયો


'ભક્તજી આ લો.' એણે નરસૈયાને એ વાળી પાછી આપીને કહ્યું,'તમારે જોઇએ છે તે ઘી હું જોખી આપું છું. એની કિંમતમાં વાળી નહિ રાખું.'

'ત્યારે ? મફત તો હું કેમ લઇ જાઉં ?'

'મફત નહિ. ભક્તજી, પ્રભુનાં બે એક પદ મને સંભળાવો. ઘીની એટલી કિંમત પૂરતી છે.'

'સાચું કહો છો ?' નરસૈયાને મશ્કરી લાગી.'મારા વાલાજીનાં પદ સંભળાવ્યે ઘી મળશે ?'

પોતાની પત્નીના અંગ પરની છેલ્લી વાળી આપતાં જે નરસૈયો હસતો હતો તેણે પોતાના વ્હાલાજીનાં કીર્તનની આટલી કિંમત થતી જોઇને અંતરમાં રૂદન અનુભવ્યું. એણે પોતાની કરતાલો કાઢી. ને એના કંઠમાં તલપાપડ થઇ રહેલા કેદારના સૂરના કેદીઓ છૂટે તેટલા હર્ષથી બહાર નીકળ્યા. એક વાર શરૂ કર્યા પછી એ તો ગાનમાં ડૂબી ગયો. પ્રભાતનો પહોર હતો. પ્રભાતીના કેદાર-સૂરોએ એ નાની હાટડી પર હવાને બાંધી દીધી. કેદારના સૂર આસપાસનાં આંગણે આંગણે પહોંચી ગયા. કેદારના સૂર નજીકના નાગરવાડાને અસ્વસ્થ બનાવવા લાગ્યા. કેદારના સૂરે પૃથ્વી અને ગગનના પડદાને ટાંકા દઇ તૂણી લીધાં.

પછી તો હાટડીદારે વારંવાર જહ્યું, 'હાંઉ ભગતજી, મારાં નાણાં વસૂલ થઇ ગયાં' પણ નરસૈયાનો કંઠ વધુ વધુ ઊઘડવા લાગ્યો. વાણી સૂરની પાછળ ચાલી આવી, ને સૂરો વાણીને પગલે પગલે લીલી કેડી ઉગાડતા ગયા. શ્રાદ્ધ શ્રાદ્ધને ઠેકાણે રહ્યું. ને લોકોની ત્યાં ઠઠ જામી.