પૃષ્ઠ:Ra Gangajaliyo.pdf/૧૭૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૬૭

ચકડોળ ઉપર


'કોણ છે એનો વાલોજી કે જે વાતવાતમાં એનાં કામ કરી જાય છે ?' રા'માંડળિકના લલાટમાં આ પ્રશ્ન પૂછતે પૂછતે કરચલીઓ ચડી.

'એ તો કહે છે કે મારો વાલોજી દામોદરરાય.' કામદારે દુત્તું મોં કરીને કહ્યું.

'દામોદરરાય !'

'એટલે પ્રભુ શ્રી હરિ.'

'શ્રી હરિ એટલા સસ્તા છે ! હેં કામદાર ?' રા'ના માથામાં કશાંક ગૂંચળાં વળતાં હતાં.

'એ તો એ કહે છે. ગામના ડાહ્યા લોકો તો એવું કાંઇ નથી માનતા. બીજું તો કાંઇ નહિ મહારાજ, પણ આમ હુંડીઓ લખી આપવાથી આપણા નગરની આંટ બગડશે.'

'પણ એને ભક્તને આવા ધંધા સૂઝ્યા ક્યાંથી ?'

'મહારાજ ! ગામ તો બોલે છે કે આ તો ધૂતવાના ધંધા કહેવાય.'

'એને કહી દેજો કે મારી નગરીમાં ધૂતારાવેડા નહિ ચાલે.'

'મારાં બા કુંતાદેને તો આ બધું સત્ય લાગે છે.'

'કુંતાને એનું ઘેલું લાગ્યું છે ત્યારથી જ મને બ્‍હીક લાગી છે.'

'નગરમાં તો નરસૈયાની સામે બૂમ વધતી આવે છે. આપણું રાજ ચાહે તેમ તો ય શિવભક્ત. આપણે આંગણે ગિરનારનું બેસણું. એટલે રાડ વધી રહી છે.'

'શિવને નામે સોમનાથનું તીર્થ હાટડી બન્યું છે, તેમ દામોદરરાયજીને નામે આંહી પાછું પાખંડ ક્યાં શરૂ થયું !'