પૃષ્ઠ:Ra Gangajaliyo.pdf/૧૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૬૯

ચકડોળ ઉપર


કામદારે માનેલું કે રા' કૃપા વરસાવી રહેલ છે. રા'એ કામદારના ગયા પછી પોતાના અંતરમાં એક થડકાર અનુભવ્યો. અવતાર ધરીને કોઇ દિવસ કોઇને ઘેર ન ડોકાનાર રા' પોતે પોતાના દિલને પૂછવા લાગ્યા : ત્રીજી વાર પરણેલાને ઘેર જવા હું શા માટે લોભાઊં છું ? શું વણિકોને ઘેર અપ્સરાઓ હોય છે ? મારી કલ્પનાની અપ્સરાનો ચહેરો મોરો, ક્યાંય, શું કોઇના મોં પર નહિ મળે ? હું શા માટે આ શોધે ચડ્યો છું? આવી પૂછપરછ પણ કોને કરી શકાય ? નાગાજણને હવે જેટલું પૂછી જોયું તેથી વિશેષ કેમ કરી પૂછી શકાય ?

'હા-હા-હા' પોતાની હજામત કરવા વાળંદને પૂછી જોવાની જુક્તિ સૂઝી.'વાળંદ સાથે વાતો કરવાનો વાંધો નથી. વાળંદને કહીશ કે વાત પેટમાં રાખજે. ને વાળંદ કોઇને વાત કહી નાખે તો પણ શું છે ? કોના બાપની બીક છે ? શું કોઇ મારા જીવનનું મુખત્યાર છે ? હું ચાહે તે કરીશ. હું નથી દેવસ્થાનોના પૂજારીઓથી ડરવાનો, કે નથી અમદાવાદના સુલતાનથી દબાવાનો. મારે આંગણે બે ઊપરકોટ છે, ને હું તો જ્ઞાન દૃષ્ટિથી માનવા લાગ્યો છું, કે વાસનાને દબાવવી નહિ. એ દબાઇ રહે તો પણ કોઇક દિવસ ફાટે ને ! વાસનાને તો હળવા હાથે જ ઠેકાણે પાડવી રહી.

'નરસિંહ મહેતાની પાછળ ટોળાં કેમ ભમે છે ? રાસ મંડળોમાં સેંકડો નાચે છે ને ગાય છે ? કેમકે તેમની વણપૂરાયેલી વાસનાઓને ત્યાં વાણી વડે શાંતિ મળે છે. મનડાં માનવા લાગે છે કે વ્હાલોજી મળી ગયા. નારીઓ કલ્પના કરી લ્યે છે કે કૃષ્ણે તેમને પોતામય બનાવી લીધી. પુરુષો અનુભવ કરી લ્યે છે કે રાધિકા સાથે રાસરમણ રમાયાં. કોની નારીઓ, ને કોના પુરુષો ! ઘેર ઘેર અતૃપ્તિનાં આંધણ ઊકળે છે. નરસૈયાએ તેમને સંતોષવાની સૂક્ષ્મ કળા ન ગોતી હોત તો ઘેર ઘેર કજીયા થાત, ઘેર ઘેર વ્યભિચાર ચાલત, ઘેર ઘેર મારપીટ