પૃષ્ઠ:Ra Gangajaliyo.pdf/૧૮૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૭૧

ચકડોળ ઉપર


બીજું કોઇ કામ નથી. ખોજ કરવી છે, સાચ જુઠ પરખવું છે, સત્યનો તાગ લેવો છે; એવા કોઇ નખ હોય તો તું જોતો રહેજે. તને ઇનામ આપીશ. તારૂં દળદર ફીટાડી દઇશ. બસ, ફકત એવા નખ જ જોઇએ મારે હો કે ? બીજું કાંઇ નથી જોતું.'

રા'નું હૃદય, વીશળ કામદારના ચાલ્યા ગયા પછી આવાં વિચાર ચક્રો ફેરવવા લાગ્યું. રા' જાણે જીવતરના કોઇ એવા ચગડોળમાં ચડી બેઠા હતા, કે જેને અટકવાનું હોતું નથી. માનસ-સાગરના કિનારા પર ઇચ્છાઓનો મહામેળો મચ્યો હતો તેની વચ્ચે આ ચકડોળ ફંગોળા લેતો હતો. રા' એમાં ચડી ચૂક્યો હતો. ચક્ડોળ જરાય ઊભો ન રહે, ચગે-હજી, હજી, હજી વધુ ચગે, અરે જાણે કદી જ ન થંભે, એવી રા'ની ધખના હતી. ફેર ચડતા હતા, પૃથ્વી પર ઊતરવા હામ નહોતી, પડવાની બ્‍હીક હતી, માટે ચગો ચકડોળ ! ફરો કાળ-ચક્ર ! અનંત કાળ લગી આંટા લો. નથી ઉતરવું. ધરતી પર નથી પગ મૂકવો. કુંતાદેવીનાં કરડાં નેત્રો ! દૂર થાઓ.

આવા વિચાર-વીંછીઓના ડંખો ખાતો માંડળિક ઘણી ઘણી વાર સંધ્યાકાળે એકલો પડી જઇને પોતાની બેઠકના ગોખે બેસતો. ગિરનાર ઉપર ચડતી એની કલ્પના ક્યાંય નહિ ને જાણે ભૈરવ-જપની શિલા પર ચડતી, ચડીને પાછું નીચે જોતી, તમ્મર ખાતી, વગર ધક્કે કેવળ પોતાનાં જ તમ્મરથી ખાબકી પડતી, અતલ ખીણમાં જઇ પડતી. કપાળ એનું કોઇ ઉનાળે સુકાઇ રહેલા ખાબોચિયામાં ખદબદતાં માછલાં શી કરચલીઓના ખદબદાટો ધારણ કરતું; ત્યારે થોડે દૂર આવેલી મહોલાતની બારીની ચીરાડમાંથી બે આંખો રા'ના કપાળ-ખાબોચીઆના એ ખદબદાટને જોઇ જોઇ છાનું છાનું રડી લેતી : એ બે આંખો હતી કુંતાદેની.