પૃષ્ઠ:Ra Gangajaliyo.pdf/૧૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
પ્રકરણ ચોવીસમું

૧૭૪


'કાં છે?'

'હું-હું-હું પોતે નલછીયો બાપો.'

'અલલ ! લે ! આવા નલછૈયા બાપા હોય ?' બાળક હસી પડ્યાં.

'લો છોકરાં ! મારાં ભઇલાં કરૂં. હાલો શ્રીરંગ મહેતાનું ઘર બતાવો. આપણે બજારમાં ગાતા ગાતા ને નાચતા કૂદતા જઇએ. મઝા પડશે ખરૂં ?'

ખોખરા ગાડામાં , ગળીઅલ બળદો જોડાવીને પાંચ-સાત સાધુડાંની સાથે આવેલા એ નરસૈયા-ભક્તનું કીર્તન-મંડળ જ્યારે ઊનાની બજારમાં છોકરાંની ઘાંધરથી વીંટળાઇને ગાતું ને ઊછળી ઊછળી નાચતું નીકળ્યું, ત્યારે ઊના શહેરના ખીખીઆટા ચાલ્યા ને નરસૈયાના વેવાઇ શ્રીરંગ મહેતા શરમાતા શરમાતા સામા આવ્યા. દીકરાના નાગર સસરાના વિચિત્ર રંગઢંગ દેખીને સહી લેવું સહેલ નહોતું. ઊના શહેરે દૂરથી સાંભળેલો નાગર નરસૈયો પહેલી વાર જ નીહાળ્યો. પોતાની આબરૂના કાંકરા થતા જોનાર વેવાઇએ આ તમાશો અટકાવવા માથાકૂટ કરી તે નિષ્ફળ ગઇ. ગામલોકો ટોળે વળ્યાં. ગલીએ ગલીએ સ્ત્રીઓ છોકરાં તેડી તેડી ઘેરે વળી. મેડીઓની બારીઓ, ઝરૂખા ને ગોખ રવેશો જાણે જીવતા બન્યા. પણ ભગતડો નાગર નરસૈયો કોઇ વિચિત્ર પાણી હશે તે ભ્રાંતિ ભાંગી ગઇ. લોકલાગણી સંગીતભૂખી હતી. ધંધારોજગારમાં ને વ્યવહારની ક્ષુદ્રતામાં સબડતાં નરનારીઓ કોઈ એક પ્રબળ રસોર્મિનાં પિપાસુ હતાં. તેમણે પોતાની જ આતમવાણીનો સ્પર્શ અનુભવ્યો. તેમણે નરસૈયાના કંઠમાંથી સૂરોની રેલમછેલ ચાલતી અનુભવી. પહેલા વરસાદમાં નાગાંપૂગાં થઇને નહાવા દોડતાં નાનાં બાળકોની જેવી અંતરોર્મિ સેંકડો નરનારીઓની બની ગઈ. તેમના પગ છૂપા છૂપા નરસૈયાના ગાનના તાલે તાલે થનગન્યા. સ્ત્રીઓ