પૃષ્ઠ:Ra Gangajaliyo.pdf/૧૮૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
પ્રકરણ ચોવીસમું

૧૭૮


મહિનાઓ વીતી ગયા છે. એક દિવસ નરસૈયો જૂનાગઢમાંથી ક્યાંઇક ચાલ્યો ગયો છે. એને ઘેર પચાસેક અભ્યાગતોની જમાત પડી છે. ઘરમાં કોઇ ઘરનું માણસ નથી. માટલામાં આટો કે દાળ નથી. ગામમાં કોઇએ સીધું જોખ્યું નથી. અભ્યાગતો ભૂખ્યાં થાય છે ત્યારે ભજન કરી લે છે. રાત્રિયે ઊંઘ આવે છે ત્યારે એ ક્ષુધિતો ફરીથી કીર્તન કરે છે. વળતા દિવસે એકાદશીના નિમિત્તે ઉપવાસ ખેંચે છે. સૌ વાટ જોઇ બેઠાં છે કે નરસૈયાજી અબઘડી ખાવા પીવાનું સાધન કરી લાવશે.

જૂનાગઢમાં આંગણે અભ્યાગત અતિથિઓ લાંઘણ પર લાંઘણ ખેંચી રહ્યાં છે ત્યારે તળાજા ગામની બજારમાં નરસૈયો ધરણીધર નામના એક વૈશ્યની દુકાને બેઠો છે. તળાજા પોતાનું મોસાળગામ છે. ત્યાં પણ એ 'માંડી વાળેલ' ને 'ઓટી વાળેલ' તરીકે જાણીતો થઇ ચૂક્યો છે. એના વ્યવહારની આબરૂ ત્યાં રહી નથી.

'ધરણીધરજી ! ઘેર અભ્યાગતો ભૂખ્યાં બેઠાં છે.'

'પણ હું શેના ઉપર ધીરૂં ? કાંઇ લાવ્યા છો ?'

'કંઇ નહિ. ઘરમાં કશું નથી. મરતી મરતી માણેકબાઇ સાડલા પણ વેચીવેચી મુજ નાલાયકનો વહેવાર ચલાવતી ગઇ છે.'

'પણ કાંઇ બીજી વસ્તુ ? તંબૂરો, મંજીરાં, કરતાલ, કાંઈ કરતાં કાંઈ ?

'એ બધું જ વેચાઇ ચૂક્યું છે.'

'ત્યારે તો મહેતાજી, મારે ધીરવું શાના ઉપર ?'

'મારા વાલાજીની આબરૂ ઉપર.'