પૃષ્ઠ:Ra Gangajaliyo.pdf/૧૮૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૭૯

સૂરોનો સ્વામી


'તમે તો ભક્તરાજ રહ્યા, આબરૂની થોડી ખેવના કરવી છે? આંહીથી નાણાં લઇ પીઠ વાળી એટલે કોણ ધરણીધર ને ક્યાં તળાજું ! ઓળખે છે જ કયો ભાઇ? આવું ડીંડવાણું કહેવાય તમારું તો.'

'ત્યાં અભીઆગત ભૂખ્યાં બેઠેલ છે, શેઠજી!' નરસૈયો સામી દલીલો ન સૂઝતાં એકની એક વાત ગોખતો રહ્યો.

'હાં-ત્યારે તો-ત્યારે જુઓ, મહેતાજી ! તમને કાંઇક એવી બંધણીમાં લેવા જોઇએ કે કરજ પહેલું યાદ આવે. તમારી દાનત વિષે મને શક નથી, તમારી આળસની જ મને બીક છે.'

'તમે કહો તેમ કરું.'

'ત્યારે હું એમ કહું છું, કે આ લ્યો આ કાગળ, કોરી ચાલીસ ગણી દઉં, તેની સામે દસ્તાવેજ માંડી આપો.'

'શું?'

'તમારો કેદારો રાગ.'

'એટલે?'

'એટલે બીજું તો શું? કોરી ચાલીસ ભરી ન જાવ ત્યાં લગી બીજા બધા ય રાગ તમારે ગાવા, ન ગાવો એક ફક્ત કેદારો રાગ.'

'ભલે લાવે લખી આપું.' એમ કહી નરસૈયાએ કાગળ લીધો. ફરી ફરી લખત વાંચ્યું. વાંચી વાંચીને એણે ડોકું ધુણાવ્યું. ધરણીધર તરફ એ દયામણી દૃષ્ટે જોઇ રહ્યો. 'મારાથી નહિ બને.' કહીને એણે નિઃશ્વાસ નાખ્યો.

'કાં? બત્રીશ રાગ ગાઇ જાણો છો એમાંથી એક કેદાર નહિ ગાવ તો શું નડવાનું છે?'