પૃષ્ઠ:Ra Gangajaliyo.pdf/૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પંડિતની સ્ત્રી


એ ચાવીઓના ઝૂડાએ આવતી નારને કેવીક રીઝવી હતી ? રાજેશ્વર ભાટને ગતાગમ નહોતી. ઘોડીને માથે વંશાવળીના ચોપડાનો ખલતો લાદીને વિદ્વાન રાજેશ્વર યજમાનવૃત્તિ કરવા ગામતરાં ખેંચતો હતો. જ્યાં જ્યાં જ‌ઇ ઊતરતો ત્યાંથી મહિનો મહિનો, બબે મહિના સુધી યજમાનો એને ખસવા ન દેતા. મીઠી મીઠી એની વાણીને માથે યજમાનો મોરલી ઉપર ડોલતા નાગ જેવા મંડાઈ રહેતા. રાજેશ્વર બારોટના ચોપડામાં દીકરા દીકરીનાં નામ મંડાવવામાં ઠાકોરો ગર્વ લેતા.

"વિદ્વાનની વહુ : પંડિતની પત્ની : દુનિયામાં ડહાપણની જેની શગ ચડે છે એની તું અર્ધાંગના, બાપ ! વાહ પંડિત ને વાહ પંડિતરાણી : જોડલું તો જુગતે મેળવ્યું છે માતાજીએ."

આવાં અહોગાન જ્યારે રાજેશ્વર બારોટને આંગણે રોજે રોજ સવાર ને સાંજ સંભળાવા લાગતાં ત્યારે રાજેશ્વર બારોટની સ્ત્રી પાણીના બેડાને મસે ઘરની બહાર નીકળી પડતી, ને પાણી-શેરડે એકલવાયા આરા ઉપર અસુર સવાર ઊભી રહી અંતરના ફિટકાર આપતી. "આગ મેલાવ એ વિદ્વતામાં, એ ચોપડાઓના પટારામાં, ને એ પંડિતાઈની પ્રશંસામાં જીભ ખેંચાઈ જાવ એ વખાણ કરનારાઓની."

મછુંદરી નદીનો આરો નિર્જન હતો. પાણી પીવા થોભતાં ગાધણને ગોવાળીઆઓ પોતાના પાવાના સૂર પણ સાથોસાથ પાતા હતા. બકરાં ગાડરનાં વાઘ (ટોળા)માં તાંબડી લઈને ગોવાલણો દોવા માટે ઘૂમતી હતી. અને સીમમાં, ઘ‌ઉંની કાપણી કરીને પાછાં વળતાં મજૂર મૂલીનાં જોડલાં ફરકતે પાલવડે ને ઊડ ઊડ થતે છોગલે ગાતાં હતાં.

"જોબનીયું કા....લ્ય જાતું રે'શે !

"જોબનીયું આજ આવ્યું ને કાલ્ય જાશે
"જોબનીયું કાલ્ય જાતું રે'શે.