પૃષ્ઠ:Ra Gangajaliyo.pdf/૧૯૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૮૩

સૂરોનો સ્વામી


સંભળાવનારા તો તારે કિન્નરો ગાંધર્વો ય ક્યાં ઓછા છે ? શું મારૂં મિથ્યાભિમાન ! હા-હા-હા !' નરસૈયો વાદળાંની ગડગડાટીને પ્રભુમુખના હાસ્ય-ખખડાટા રૂપ સમજી પોતે પણ સામો હસી પડ્યો:

'ગઝબ મારું મિથ્યાભિમાન ! ધરણીધરને હું એમ કહી આવ્યો કે મારો કેદારો સાંભળ્યા વગર શ્રી હરિ ઊંઘશે અને જાગશે ક્યાંથી, ખાશે ને પીશે કેવી રીતે ! એ અભિમાનના તોરમાં હું ન્હાસી આવ્યો, ને ઘેરે બેઠેલાં અભ્યાગતોનું મોત ઢૂક્ડું લાવ્યો ! ગમાર ! કેવો ગમાર ! ઝટ પાછો વળું. ક્યાંઇક ધરણીધર શેઠ બદલી બેસશે.'

એમ કહેતો એ મૂઠીઓ વાળીને પાછો તળાજા તરફ દોડવા લાગ્યો. પ્રભુનું ગગનહાસ્ય ચાલુ રહ્યું, પણ તે સાથે કાળી કાળી વાદળીઓ પૃથ્વી પર તૂટી પડી. એની કોટાનકોટિ જળધારાઓ વચ્ચે થઇને નરસૈયો દોડતો જાય છે. દોડતું એ સુકોમળ શરીર વિરાટના સહસ્ત્ર-ધારા તારોના વાદ્ય પર કોઇક બજાવનારની ફરતી આંગળી જેવું દેખાય છે. એની છાતી પર પવન-સૂસવાટાના ધક્કા પડે છે.એના મોં ઉપર મેઘ-ધારાઓ સોટીઓની તડાતડી બોલાવે છે. પણ એ ઊભો રહેતો નથી. એને લાગી ગયું છે કે 'મારો વાલોજી-અખિલ બ્રહ્માંડમાંથી હસાહસ કરીને કહે છે -

'ઘેલો નરસૈયો ! મિથ્યાભિમાની નરસૈયો ! પોતાને ગાવું છોડવું ગમતું નહોતું એટલે મારા નામનું-મારી ઊંઘનું ને મારા ભોજનનું બહાનું ચલાવ્યું. મૃત્યુલોકમાં મને બેઆબરૂ બનાવ્યો.'

રાતે દુકાન વધાવી લઇ તાળું વાસતા વ્યાપારી ધરણીધરને કાને વરસતા વરસાદમાં બજાર સોંસરવા સાદ આવ્યા : 'ધરણીધરજી ! શેઠજી ! ઊભા રે'જો. હાટ વાસશો મા. હું કેદારો રાગ માંડી દેવા આવી પહોંચ્યો છું. વાસશો મા, હાટ વાસશો મા !'