પૃષ્ઠ:Ra Gangajaliyo.pdf/૧૯૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૮૭

રતન મામી


સૌએ જોયું. એકેએક જણને દીઠામાં આવ્યું, રોજની માફક આજે પણ વખતસર આવીને રતને નરસૈયાને ટબૂડી પાઇ.'

'એને કોઇએ પકડી નહિ?'

'ના, કોઇ હિંમત કરી શકયું નહિ. કોણ જાણે કેમ પણ સૌની છાતી બેસી ગઇ. બધાના હાથપગ ઝલાઇ ગયા. નરસૈયો તો પાણી વગર બેહોશ પડ્યો હતો. અવાચક બની ગયો હતો. રતને આવીને કહ્યું, 'લો ભાઇ, લો ભક્તજી, પાણી પીવો.'

આંખો ખોલી એ શઠે પાણી પીધું. એણે કરેલું તે વખતનું હાસ્ય સૌનાં અંતર પર શારડી ફેરવી ગયું. ને ઝબકેલા સૌ ભાનમાં આવે તે પહેલાં રતન સૌની વચ્ચે થઇને બેધડક ચાલી ગઈ.'

ચોકીદારોએ સામસામું જોયું. મોં વીલાં પડી ગયાં. ખડકીની પછીતે જુવાનો દોડીને જોઇ આવ્યા. ત્યાં તો કોઇ દ્વાર નહોતું. ઘરનું છાપરું કે ખપેડો ફાટેલ નહોતો. સૌના હૈયા પર ધાક બેસી ગઇ. સૌના અવાજ ઊંડા ઊતરી ગયા.

'ઘર ઊઘાડીને અંદર તો જૂવો !'

પ્હો ફાટવા પહેલાંની ઘોર અંધારી વેળા હતી. રાત્રિના અંધકાર કરતાં પણ સમેટાતી વેળાનો આ અંધકાર વધુ બીહામણો હતો. સૌએ એક બીજા સામે જોયું. પણ એકેય હાથ એ ખડકીની સાંકળ તરફ વળ્યો નહિ. ડાચાં સૌનાં ફાટેલાં હતાં. ચોકીદારો પોતે જ ચોર-ડાકુ જેવા બન્યા હતા. વિસર્જન થતી રાત તેમને ઝાલી લેશે, કે ચાલ્યો આવતો વિશ્વચોકીઆત સૂરજ તેમને કેદ કરશે ! બધા જાણે બેય બાજુએથી ભીંસાઇ રહ્યા હતા.

'સૌ સાથે ખોલીએ.' એવી મસલત કરીને બધાએ સામટા મળી