પૃષ્ઠ:Ra Gangajaliyo.pdf/૧૯૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૮૯

રતન મામી

છેલ્લો છાંટો પણ ચાલ્યો ગયો હતો. એ જાણે અસલ હતો તે રા' નહિ, પણ બીજો કોઇ વેશધારી રા' લાગે. આગલા દિવસની સાંજ સુધી પણ જે વિભૂતી એના ચહેરા ઉપર તરવરતી હતી તે એક જ રાતમાં અલોપ કેમ થઇ ગઇ હતી, આ એક જ રાતમાં એણે એવા કયા પાપાસૂરની ઉપાસના કરી હતી, કયા સ્મશાનચારી પ્રેતોની સાધના કરી હતી ! એના જીવતરની આ ગઇ રાત કાળીચૌદશની રાત હતી. એના છેલ્લા સંસ્કારને ઊતરડી લઇને આ રાત જાણે કાળી કોઇ બિલાડીની માફક એના ઓરડામાં લપાઇ બેઠી હતી. પણ ઊપરકોટ એ છુપી વાતથી અજાણ હતો.

'ગોકીરો શેનો છે?"

'વસ્તી વીફરી ગઈ છે. ઊપરકોટ ઘેર્યો છે. મહારાજની પાસે ફરિયાદ છે,'

'પણ આ ગામમાં ને બજારોમાં ફડાફડી શેની ચાલે છે ? ઓ પણે ઢેઢવાડો કળાય, તેમાં જઇ ને કોણ સોટા ચલાવી રહેલ છે ? ઓ પેલા કૃષ્ણમંદિર પાસે આ બધા કોને પીટી રહ્યા છે ?' રા'માંડળિક પોતાના ઝરૂખા પરથી નગરનો મામલો નિહાળતો હતો.

'મહારાજ ! નરસૈયાએ કેર કર્યો છે. ઢેઢવાડે જઇ કાલ રાતે કીર્તનો કર્યાં છે. ને એની રખાત રતનબાઇનું રાતમાં ભેદી ખૂન થયું છે. શિવભક્તો ગોપીભક્તો પર પીટ પાડી રહેલ છે. હુલ્લડ ફાટી નીકળ્યું છે. આપ જલદી લોકોને મોં બતાવો, ને નરસૈયાને યોગ્ય દંડ થશે તેવી ખાત્રી કરાવો.'

'વીસળ કામદાર ક્યાં મરી ગયો છે?'

'મહારાજ, એને તો આપે જ કાલ પરગામ મોકલેલ છે ને ! એ શું આપ ભૂલી ગયા !' એક અનુચરે રા' સામે આંખની ઇશારત કરી.