પૃષ્ઠ:Ra Gangajaliyo.pdf/૨૦૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
પ્રકરણ પચીસમું

૧૯૦

'હા-હા-ઠીક ! હું તો ભૂલી જ ગયો. ભૂલી શકું તો - ભૂલવા મથું છું- ભૂલી શકીશ !-નહિ ભૂલાય !-' પોતે વીસળ કામદારને શા માટે બહારગામ મોકલ્યા હતા તેનું રા'ને ભાન થયું.

'મહારાજ !' અનુચરો રા'ની વાણીનો મર્મ સમજતા હતા. તેમણે એ વાતને રોળીટોળી નાખવા કહ્યું, 'દેકારો બોલે છે. હમણાં ઊપરકોટ ઠાંસોઠાંસ ભરાશે. ઝટ મોં બતાવો ! નરસૈયાને શિક્ષા કરવા લોકોને કોલ આપો.'

'હું શા માટે ?-હું નહિ-કુંતાદે મોં બતાવે ને ! એ કોલ આપે ને ! એણે જ એ પાખંડીને રક્ષ્યો છે. એને કહો વસ્તીને જવાબ આપે-એને કહો- એ રૂપાળીને કહો- એ ભગતડીને કહો-હો-હો-હો !'

'એને પણ આપે જાત્રાએ મોકલેલ છે.' અનુચરોએ રા'ને યાદ કરાવ્યું.

'હા, યાદ આવ્યું. હું જાણું છું, એ તો ગયાં હશે દોંણેશરની જાત્રાએ-એના સગા પાસે. ભલે ગયાં. એ એને ઠેકાણે ગયા, તો હું મારે ઠેકાણે કાં ન જાઉં !'

કુંતાદે માટે રા'ના મોંમાંથી ગંધારા શબ્દો પ્રકટપણે તો પહેલી જ વાર નીકળ્યા. અનુચરો આ હીણી વાણી સાંભળી ડઘાઇ ગયા. ત્યાં તો માણસોએ દરવાજેથી દોડતા આવી ખબર દીધા :

'મહારાજ જલદી કરો ! નરસૈયાને ઉપાડીને, મારપીટ કરતા લોકો લઇ આવેલ છે. હમણાં મારી ઠાર કરશે ને પછી વધુ વકરીને આંહીં ન કરવાનું કરશે.'

'મારવા ના કહો. મેં નરસૈયાને હજી કોઇ દિ' જોયો છે ક્યાં ? એનાં ગીત સાંભળ્યાં છે ક્યાં ? એના ચેટક જોયાં છે ક્યાં ? હજી