પૃષ્ઠ:Ra Gangajaliyo.pdf/૨૦૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
પ્રકરણ પચીસમું

૧૯૨

રહી ગિરનારનાં એ શિખરો ઉપર, જે શિખરો ત્રણસો વર્ષ પર એક રાજરાણીને ઠપકે તૂટી ખાંગાં થયાં છે, ને આજ પણ એ ખાંગાં ચોસલાં, ગરવાના હૈયાફાટ વિલાપનાં થીજી ગયેલાં આંસુ સમાં પડેલાં છે.

તે દિવસ બપોરની રાજકચેરી બેઠી. આખું જૂનાગઢ હક્લક્યું. રા' માંડળિકને ન્યાયકામમાં મદદ આપવા પુરોહિતો ને નાગર ગૃહસ્થો બેઠા હતા. તેમણે સૌથી વધુ મહેનત કપાળનાં ત્રિપુંડો વગેરે તિલકો તાણવામાં લીધી હતી તે કળાઈ આવતું હતું. પ્રત્યેકના પોશાક અને લલાટમાંથી ધર્મ જાણે હાકોટા કરતો હતો. તેમના હાથમાં શાસ્ત્રોનાં મોટાં નાનાં પોથાં હતાં. નરસૈયાનો અપરાધ સાબિત કરવા તેમણે પ્રમાણો તૈયાર રાખ્યાં હતાં.

બાકીની લોકમેદનીનો મોટો ભાગ રોનક માટે આવેલો હતો. તેમની અંદર વાતો થતી હતી : 'હજુ કેટલીક વાર લાગશે ? નરસૈયાને હજુ લાવતા કેમ નથી ? પહેલેથી આંહીં લાવ્યા હોત તો જરા ચેટક તો થાત. એને શું બંદીગૃહની અંદર જ પાછો લઈ જઈને શિરચ્છેદ કરશે ? એ કરતાં તો બહાર મેદાનમાં કાળવા દરવાજે કરે તો કેવું સારું ! ના ભૈ ના, ગિરનાર દરવાજે જ વધુ સગવડ પડે : ખરૂં કહું તો એણે ભેરવ-જપ માથેથી જ પછાડવો જોઇએ એટલે ફોદેફોદા વેરાઇ જાય : હવે ભૈ, તમે ય કાંઇ સમજો નહિ ને ? ભેરવ-જપ ખવરાવે તો તો એને આવતે અવતારે રાજયોગ જ થાય ને.'

લોકમેદનીનો બીજો ભાગ વળી બીજું જ બોલતો હતો : શું થવા બેઠું છે જૂનાગઢનું ! ઓલી રતન એમને એમ મૂઇ એ બરાબર ન થયું : એને ભૂંડે હવાલે મારવી જોતી'તી : બેયને માથાં મૂંડિ, ચૂનો ચોપડી, અવળા ગધેડે બેસાડી ગામમાં ફેરવવા જોતાં'તાં : ના ભૈ ના, એને બેઉને તો એક લોઢાના થંભ ધગાવી બાથ ભીડાવવી જોતી'તી.'