પૃષ્ઠ:Ra Gangajaliyo.pdf/૨૦૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
પ્રકરણ છવીસમું

૧૯૦

એ બિરદોને ઝીલતો રા' પૂરેપૂરો લહેરમાં હતો. એના મોં ઉપર ગાંભીર્યની રેખા જ રહી નહોતી. પ્રજાવત્સલ અને લોકપ્રિય બનવાનો કોઇ અજબ મોકો એને જાણે આજ મળી ગયો.

નરસૈયાને ન્યાયકર્તાઓએ પૂછપરછ માંડી :-

'તું કોનો ઉપાસક છો ?'

'શ્રીહરિનો શ્રી કૃષ્ણનો.'

'એટલે શિવનો વિરોધી ખરો ને.'

'ના બાપ, મારો વાલોજી બીજા દેવથી જૂદા નથી. મારા શામળાજીમાં સૌ સમાઇ જાય છે.'

'જુવો મહારજ !' પુરોહિતો બોલ્યા : 'અન્ય દેવો એના દેવની અંદર સમાઇ ગયાનું કહે છે. પોતાના દેવની બડાઇ મારે છે.'

'તારો વાલોજી તારા ઘરનાં કામકાજ ઉકેલી જાય છે એવું તું લોકોને ભણતર ભણાવે છે ?'

'શ્રીહરિ તો સૌનાં કામકાજ ઉકેલે છે. બધાની આબરૂનો રખેવાળ શ્રીહરિ છે. મુજ સરીખા પ્રમાદીની, દુર્બળ ને દીનની એ વધુ સંભાળ રાખે છે.'

'તારે નાવાનું ગરમ પાણી પણ પ્રભુ ઠંડું કરી જાય છે ખરું ?'

નરસૈયો શું બોલે ?

'તારી છોકરીનું મામેરું ય પ્રભુ પૂરી આવે, ને છોકરાના વીવા પણ પ્રભુ ઉકેલી આવે !ખરું !'

'શ્રીહરિ સિવાય મારું રેઢીઆળનું તો બીજું કોણ પાર પાડે ?'