પૃષ્ઠ:Ra Gangajaliyo.pdf/૨૦૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૯૭

છેલ્લું ગાન

નરસૈયો કશું ન બોલ્યો. એક નાગરે કહ્યું -

'અને નાગરોના જ્ઞાતિભોજનમાં હાડકાંના નળા લઇ લઇ ચાંડાલોને પણ એણે જ પેસાડેલા મહારાજ !'

'તારે કંઇ કહેવું છે ભગત ?'

'ના મારા વાલાજી.'

તપાસ પૂરી થઇ.પુરોહિતો સાથે મંત્રણા કરી રા'એ ફેંસલો સંભળાવ્યો.

'જૂનાગઢનો નરસૈયો પાખંડ ચલાવે છે. પરસ્ત્રીઓને ફસાવે છે. અજ્ઞાનીઓને ભોળવી ઊંધા માર્ગે ચડાવે છે. જો એ રાધાકૃષ્ણની આ લંપટ ભક્તિ છોડી દ્યે, તો જ જીવતો રહી શકશે. ને ગોપીનો પંથ ન છોડે તો પછી એ સાબિત કરી આપે કે એના શ્રી દામોદરરાયજી સાચા છે અને સાચેસાચ એને ભીડમાં સહાયકર્તા બને છે. દામોદરરાયજીના મંદિરમાં પ્રભુની મૂર્તિના ગળામાં જે ફુલહાર છે, એ હાર જો પ્રભુ નરસૈયાના કંઠમાં પહેરાવી જાય, તો જ એ જીવે, નહિ તો કાલ પ્રાતઃકાળે, સર્વ પ્રજાજનો નજરે નિહાળે તેમ આ ધૂર્તનું માથું ઘાતકની કુહાડી ધડથી જુદું કરશે.'

માથું અને ધડ કુહાડીથી જુદાં થશે, એ શબ્દો બોલાતાં તો બધી આંખો નરસૈયાના ગળા ઉપર નોંધાઇ ગઇ. એ ગળું ગોરું હતું. એ ગળામાંથી રેલાતી સૂરોની ધારાઓ લોકોએ પચીસ વર્શોથી પીધી હતી. વળતા દિવસ પ્રભાતથી આ ગળું ગાતું બંધ થશે.

લોકોની નજર ગળાથી ચડતી ચડતી ઉપર જતી હતી ને સુંદર મસ્તક્ને સ્પર્શ કરતી હતી; લોકોની નજર ગળાથી નીચે ઊતરતી ઊતરતી નરસૈયાના ક્ષીણ છતાં સંઘેડા-ઉતાર ઘાટીલાં અંગોને