પૃષ્ઠ:Ra Gangajaliyo.pdf/૨૦૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૯૯

છેલ્લું ગાન

બીજું કાંઇ કરતો નથી. રા'એ આનંદમાં આવી સૂરા લીધી. બીજો પહોર બેઠો. નરસૈયો ચૂપચાપ બેઠો છે એવા ખબર રા'ને પહોંચ્યા. રા'એ ફરીવાર મદિરાની પ્યાલીઓ પીધી. રા'ના રંગમહેલમાં સુંદરીઓના નાટારંભ શરૂ થયા.

ત્રીજો પહોર - નરસૈયો કંઇ કરતાં કંઇ જ નથી બોલતો, નથી ગાતો, માત્ર હાથપગની કડીઓ બેડીઓ ઝંકારતો ઝંકારતો કશાક સૂરો બેસારી રહ્યો છે ને બોલે છે " 'વાલાજી મારા ! જતાં જતાં એક જ હોંશ અંતરમાં રહી જાય છે; વાલા, કેદારો ગાઈને તમને મીઠી મીઠી નીંદરમાંથી જગાડી નહિ શકું. અને આ ભવમાંથી વિદાય લેતે લેતે હે બાળગોપાળ ! તમને હું કાળીનાગ કાળીંગા સાથે જુદ્ધમાં નહિ લડાવી શકું. શું કરૂં શામળા ! મારો કેદારો તો તળાજે રહ્યો. ને કેદારા વગરનું મારું ગાણું તમને આ બે વર્ષથી સંતોષી શકતું નથી તેય જાણું છું. બીજું કાંઇ ગાવું નથી. ગાવો'તો એક કેદારો : ગાઇ શકત તો મરવું મીઠું લાગત.'

પ્હો ફાટતી હતી ત્યારે એકાએક બંદીવાસમાંથી સૂરાવળનો ગબારો ચડ્યો. રાતભર આસવો પીતો જાગતો રહેલ રા' ઝોલે ગયો હતો તેઅમાંથી નીંદર ભાંગી ગઇ. કોઇ ક ગાતું હતું -

'એ જી વાલા હારને કારણ નવ મારીએં
હઠીલા હરિ અમુંને
માર્યા રે પછી મોરા નાથજી
દોષ ચડશે તમુંને
એ જી વાલા હારના સાટુ નવ મારીએં....

.

'પ્રતિહારી !' રા'એ બહાર અટારી પર આવી બેબાકળા પહેરગીરને પૂછ્યું : 'કોણ ગાય છે, નરસૈયો ?'