પૃષ્ઠ:Ra Gangajaliyo.pdf/૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૧

પંડિતની સ્ત્રી


ભોજાઇના કાન એની આંખોમાં ઊતરી ગયા હતા. આંખો આવતા અસ્વારને ચોંટી છે. નણંદના સૂર એને પહોંચતા નથી. એ તો ફાટ્યે મોંયે અસ્વારને જોવે છે.

ઠાકોર વીંજલ વાજાએ ઘોડો નદીમાં ઘેરવા માંડ્યો. ઓરતને એણે ઘૂમટા વગરની જોઈ. આજ પહેલી જ વાર ઘૂમટાની મરજાદ ફગાવીને પાણી ભરતી આ કોણ છે જુવાનડી ?

"ભાભી, લાજ કાઢ." નણંદે ભોજાઈને હાથ ઝાલી હડબડાવી.

"જોઇ લેવા દેને બાઈ ! ધરાઇને જોઈ તો લેવા દે ! જોબનીયું આજ આવ્યું ને કાલ જાશે..."

એ ગાવા લાગી.

વીંજલ વાજો આ બોલ પકડતો હતો. એ શરમાઈ ગયો. ઘોડો હાંકીને ગઢમાં ચાલ્યો ગયો.

ભૂતનો વળગાડ લાગ્યો હોય તેવી બ્હાવરી બનીને ભાટની વહુ મછુંદરીની ભેખડ ચડી. પાછળ નણંદ ચડી. ચડતી ચડતી બોલતી ગઈ : "ભાનભૂલી ભાભી ! લાજી નહિ ? વેદવાનનું ખોરડું......."

"અંગારો મેલાવ વેદવાનને ખોરડે, જોબનીયું આજ આવ્યું ને..." ગાવા લાગી, "કેવો રૂડો આદમી હતો !"

"રૂડો લાગ્યો હોય તો માંડને એનું ઘર."

"નણંદ, તું મારી મોટેરી બેન. તું બોલી તે હું કર્યે રહીશ."

એમ કહીને એ બેડા સાથે ઠાકોરના ગઢ તરફ વળી.

ને પછીની વાત તો ટૂંકી જ છે. રાજેશ્વર ભાટની રૂપસુંદરીની હેલ્ય ઠાકોર વીંજલ વાજાએ ઊતરાવી લીધી.