પૃષ્ઠ:Ra Gangajaliyo.pdf/૨૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૦૧

છેલ્લું ગાન

નહોતી. હતી ફક્ત હાથ પગની શૃંખલાઓ. એ તાલસૂર પૂરાવતી હતી, ને નરસૈયો ગળું મોકળું મેલીને ગાતો હતો.

* * *

જૂનાગઢ શહેર પણ અરધુંપરધું જ ઊંઘતું હતું. તેણે વહેલાં ઊઠીને નરસૈયાનો તાલ જોવા જવા તૈયારી કરી હતી. ઊપરકોટને બારણે ગિરદી જામી ગઇ હતી. સૂર્યોદયને ઝાઝી વાર નહોતી. ઊપરકોટની અંદરથી ઊંચે વાયુમાં ઉપરા ઉપરી કેદારાના પ્રભાતીસૂર ગગનારોહણ કરતા હતા : સાંભળનારા નગરજનો નવાઇ પામતા હતા. 'નરસૈયો મરવાની તૈયારી કરી રહ્યો લાગે છે. પણ છેલ્લાં બે વર્ષથી કદી ન ગાયેલા આ કેદાર-સૂરનો લલકાર આજ ઓચિંતો શાથી ? એ સૌને કહેતો'તોને, કે કેદાર ગાવાની તો મારા વાલાજીની મના છે.'

આકાશ રૂધિરવરણું બન્યું ને સૌ દરવાજા સામે તાકી રહ્યા. 'એ હવે નીકળ્યો સમજો!'

નીકળ્યો તો ખરો, પણ નોખા જ રંગઢંગમાં : ઊપરકોટમાંથી ચાલ્યા આવતા નરસૈયાને હાથે કડી નથી, પગે બેડીઓ નથી : ગળામાં ગલફૂલનો હાર છે. પહેરગીરો એને પગે લાગતા ચાલ્યા આવે છે.

દરવાજા પર આવીને પહેરેગીરોએ હાથ જોડી કહ્યું, 'ભક્તજી ! હવે આપ છૂટા છો. પધારો.'

'રાધેશ્યામ ! મારા વાલાજી ! સહુને રાધેશ્યામ. તમને મેં બહુ કોચવ્યા. માફ કરજો દાસને.'

એમ સામે જવાબ વાળતો નરસૈયો દરવાજેથી એકલો નગર તરફ ચાલી નીકળ્યો. લોકોની ઠઠ ચકિત બની જોતી જોતી ઊભી રહી ગઇ.