પૃષ્ઠ:Ra Gangajaliyo.pdf/૨૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
પ્રકરણ સત્તાવીસમું
સુલતાનનો મનસૂબો

સાડા તેર વર્ષના સુલતાનને તખ્ત પર બેઠે સાત વર્ષ થઇ ગયાં હતાં. બેઉ બાજુ મૂછો નીક્ળી ચૂકી હતી. સુલતાન 'બીગરો' બનતો જતો હતો. અને ઉમરાવોનાં કલેશ કંકાસ તેમ જ કાવત્રાંને સાફ કરી નાખી ઘોડે પલાણ્યો હતો, મુલકો ઘૂમતો હતો.

'આ જાંબુડો કોણે વાવેલ છે ?' એમ કહેતે જુવાન સુલતાને રસ્તા પરની એક ઝુંપડી પાસે ઘોડો રોક્યો. ઝૂંપડીનો વાસી ગરીબ માણસ બહાર આવી ઝૂકી ઊભો રહ્યો. 'મેં વાવેલ છે ખાવંદ.'

'પાણી ક્યાંથી કાઢો છો?'

'દૂર નદીથી કાવડ ભરી આવું છું.'

'એને આંહીં કૂવો ખોદાવી આપો વઝીર, ને વધારે ઝાડ વાવે તો ઇનામ આપો.'

સુલતાનની એ વનસ્પતિ પરની પ્રીતિથી જ ગૂજરાત ગુલિસ્તાં બનતું હતું. આંબા, દાડમડી, રાયણ, જાંબુ, નાળીએર, બીલાં ને મહુડાં ગૂજરાતની રસાળ ધરતીને ભાવતાં. હર કિસમનાં ફળઝાડ