પૃષ્ઠ:Ra Gangajaliyo.pdf/૨૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
પ્રકરણ સત્તાવીસમું

૨૦૬

મળ્યો 'એ સિપાહીઓ તો લડાઇમાં કામ આવી ગયા છે અથવા કુદરતી મોત પામ્યા છે.'

'તો પણ એની જાગીર સરકાર દાખલ શા માટે કરો છો?'

'શું કરીએ?'

'તેના છોકરાને નામે કરી આપો.'

'ઘણા તો અપૂત્ર મૂવા છે.'

'તો અરધો ભાગ તેની દીકરીઓને આપો.'

'ઘણા તો સાવ વાંઝીઆ મૂવા છે, નામદાર !'

'તો એનાં આશરાવાસી હશે ને ! એની ઓરત, ભણેજ, ભત્રીજી વગેરે વિધવાઓ હશે. એને સૌને યોગ્ય મદદ પહોંચાડો.'

જુવાન સુલતાનનાં આ ફરમાનોએ ફોજનાં માણસોમાં ચમક પેદા કરી. પોતાની સાત પેઢી સુધી નજર પહોંચાડનાર ખાવીંદને માટે તેઓ પોતાની ચામડી ઉતારી દેવા પણ તૈયાર થયા.

અમલદાર આવીને કહેતો :'હઝૂર, ફલાણો અમીર ગુજરી ગયો છે. પણ એનો દીકરો પદવીને લાયક નથી.'

સુલતાન એને જવાબ વાળતો :'ફિકર નહિ. તેની પદવી જ તેને લાયક બનાવશે. તેની જાગીર કે પદવી ન ખૂંચવશો.'

આવા ડહાપણથી જુવાન સુલતાને માણસોને માણસાઇ શીખવાડી. જાગીરદારોને તેઓ જોરજુલમ ન આચરે ત્યાં સુધી તેમની હક્ક રક્ષા બાબત નિર્ભય બનાવ્યા. વેપારીઓને ચોર લૂંટારાથી સલામત કરી