પૃષ્ઠ:Ra Gangajaliyo.pdf/૨૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૦૭

સુલતાનનો મનસૂબો

મૂક્યા, અને એનો જવાબ ધરતીએ ક્યારનો વાળી દીધો હતો : સરકારના એકેએક ગામડાની ઉપજ વધીને બેવડી બની હતી.

'બીગરો' બનવાની ખુમારીમાં મૂછોને બેઉ બાજુ વળ ચડાવતો જુવાન સુલતાન એક દિવસ કપડવણજ કસ્બામાં મુકામ નાખીને પડ્યો હતો.

રાતનું ભોજન કરીને એ ઊઠ્યો છે ને બૂમો મારે છે : 'અરે મરમરા લાવ રે જલદી મરમરા !'

પાંચ શેર મરમરાની તાસકો એની સામે મૂકાય છે, તેમાંથી એ ફાકડા ભરતો બોલે છે : 'યા અલ્લાહ ! એક ગૂજરાતી મણની રસોઇ મારા જઠરનો ખાડો પૂરી નથી શકતી. અરે ભાઇ આ પાંચ શેર મમરા તો હમણાં ચટ થઇ જશે. મારી પથારીની બેઉ બાજુ સમૂસા મૂકાવેલ છે ને ? ભૂલી નથી ગયાને એ હેઇ ખાનસામાઓ ? ન ભૂલજો, નીકર રાતમાં ઊઠીને હું તમને ખાઇ જઇશ હાં કે .'

'જનાબ, બધું બરાબર મૂકેલ છે.'

'પલંગની બેઉ બાજુ હાં કે ! હું જે બાજુ ઊઠી જાઉં તે બાજુ મારો હાથ સમૂસાની તાસક પર જ પડવો જોઇએ. હાં કે ? અને સુનો બે ખાનસામા, ચૂક મત કરો બાબા, સવારે નમાઝ પઢ્યા પછી તૂરત મારે માટે મધ ને ઘી કટોરા ભરી ભરીને તૈયાર છે કે ? અને સુનેરી કેળાં કેટલાં છે ?'

'દોઢ સો છે હઝૂર.'

'બરાબર દોઢસોની લૂમ મૂકવી હાં કે ? નહિતર હું ભૂખે મરી જઇશ. ઓ મારા માલિક !ઓ ખુદા !અમ્મા સાચુંજ કહેતી હતી કે ફતીઆ, ખાઉધરા, તારૂં શું થશે ! ખુદાતાલાએ મહમૂદને ગૂજરાતનો સુલતાન ન બનાવ્યો હોત તો એનું પેટ કોણ ભરત !'